જડની શીતળતા જડરૂપ છે. આ શાંત-શાંત-શાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે, એકલું શાંતિનું ઢીમ છે. તેને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો — બન્ને એક જ છે. માટે જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ પ્રીતિવંત બન. ૧૦૪.
અહો! આ તો વીતરાગશાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગમાર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગસ્વરૂપ છે, ને તેના આશ્રયે જે વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભરાગ હો કે અશુભ — બન્ને પરના આશ્રયે થાય છે, સ્વયં અપવિત્ર છે અને દુઃખરૂપ છે; માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતાં તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુસ્વરૂપ છે. ૧૦૫.
દ્રષ્ટિનો વિષય દ્રવ્યસ્વભાવ છે, તેમાં તો