૭૨
રાગાદિના અભાવનો કાળ છે તે વખતે ચારિત્રમોહનીયના નાશનો કાળ છે; પણ કર્મના કારણે તે સમ્યગ્દર્શન વગેરે નથી અને આત્માના પુરુષાર્થના કારણે કર્મનો નાશ નથી — એમ સમજવું. ૧૨૧.
કારણપરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણપરમાત્મા; તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને, અનાત્મા કહ્યો છે. ૧૨૨.
અરે જીવો! ઠરી જાઓ, ઉપશમરસમાં ડૂબી જાઓ — એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય! માટે સ્થાપના પણ પરમપૂજ્ય છે. ત્રણ લોકમાં વીતરાગ- મુદ્રાયુક્ત શાશ્વત જિનપ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વીતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જિનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. ૧૨૩.