જ્ઞાનસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. તે પરને જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની ‘પરનો વિચાર કરશું તો આસ્રવ-બંધ થશે’ એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે; તેની તે માન્યતા જૂઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો ‘પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે’ એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ છે તેટલા આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવળીભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. ૧૨૪.
તત્ત્વજ્ઞાન થતાં આત્માની દ્રષ્ટિ થઈ, ‘સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે’ એવી દ્રષ્ટિ છૂટી ગઈ, અને આસ્રવની ભાવના છૂટી ગઈ, તેને આત્મામાં લીનતા થતાં ઇચ્છાઓનો જે નિરોધ થાય છે, તે તપ છે. ૧૨૫.
આત્મા પામવા માટે (ગુરુગમે) શાસ્ત્રનો અભ્યાસ