૩૦. શિખર સંમેદ સોહામણા
(રાગઃ ધન્ય દિવસ ધન્ય આજનો...)
શિખર સંમેદ સોહામણા, મંગળ તીરથધામ;
નભસ્પર્શી ઉન્નત અતિ, સુખકર રમણીય ધામ...શિખર૦ ૧.
શિખર સંમેદ વન-વૃક્ષની, શોભા અતિ મનહાર;
નિત્ય અનાદિ અનંત જે, પાવન તીરથરાજ...શિખર૦ ૨.
આ યુગના જિન વીસ જે, અજિતાદિક જિનનાથ;
મુક્ત થયા ગિરિશિખરથી, ધન્ય ધન્ય આ ધામ....શિખર૦ ૩.
અનંત તીર્થંકર આ ભૂમિમાં, સિદ્ધ થયા ભગવાન;
થાશે અનંતા ભાવિમાં, શાશ્વત તીર્થ મહાન...શિખર૦ ૪.
જ્ઞાન પૂરણ, દર્શન પૂરણ, પૂરણ ચારિત્રાનંદ;
દિવ્ય અનંત ગુણ પરિણમ્યા, વિશ્વવંદ્ય ભગવંત....શિખર૦ ૫.
પાવન જિનચરણો થકી, પાવન છે તીર્થરાજ;
અણુ-અણુ પાવન શિખરના, વિચર્યા જ્યાં જિનરાજ...શિખર૦ ૬.
જિનવંદનના કારણે, આવે ચારણ ૠષિરાજ;
ધ્યાન ધરે ગિરિશિખરમાં, પામે શિવપુરરાજ...શિખર૦ ૭.
ગણધર શ્રુતધર મુનિવરા, ધ્યાવે આતમધ્યાન;
આતમલીન સિદ્ધિ વર્યા, પામી કેવળજ્ઞાન....શિખર૦ ૮.
પ્રત્યક્ષ જિનદર્શન કરે, વાણી સુણે અમીધાર;
નયણે નિરખે કલ્યાણકો, ધન્ય ધન્ય મહાભાગ....શિખર૦ ૯.
શાશ્વત તીરથરાજની, મહિમા મેરુ સમાન;
અંતાતીત તીર્થેશના, ગુણો કેમ ગવાય....શિખર૦ ૧૦.
ગણધર-મુનિ-સુરનર સંગમાં જિનચોવીસી અનંત;
પુનિત પ્રસંગો તીર્થ પર, સ્મરણો હૃદયે સ્ફુરંત...શિખર૦ ૧૧.
[ ૩૧ ]