૫૯. ગુરુદેવ પ્રત્યે ક્ષમાપના – સ્તુતિ
ગુરુદેવ! તારાં ચરણમાં ફરી ફરી કરું હું વંદના,
સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં. ૧.
કરીને કૃપાદ્રષ્ટિ, પ્રભુ! નિત રાખજો તુમ ચરણમાં,
રે! ધન્ય છે એ જીવન જે વીતે શીતળ તુજ છાંયમાં. ૨.
ગુરુદેવ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા,
કરજો ક્ષમા અમ બાળને, એ દીનભાવે યાચના. ૩.
મન - વચન - કાય થકી થયા જાણ્યે-અજાણ્યે દોષ જે,
કરજો ક્ષમા સૌ દોષની, હે નાથ! વિનવું આપને. ૪.
તારી ચરણસેવા થકી સૌ દોષ સહેજે જાય છે,
ક્રોધાદિ ભાવ દૂરે થઈ ભાવો ક્ષમાદિક થાય છે. ૫.
ગુરુવર! નમું હું આપને, અમ જીવનના આધારને,
વૈરાગ્યપૂરિત જ્ઞાન - અમૃત સીંચનારા મેઘને. ૬.
મિથ્યાત્વભાવે મૂઢ થઈ નિજતત્ત્વ નહિ જાણ્યું અરે!
આપી ક્ષમા એ દોષની આ પરિભ્રમણ ટાળો હવે. ૭.
સમ્યક્ત્વ - આદિક ધર્મ પામું, તુજ ચરણ - આશ્રય વડે;
જય જય થજો પ્રભુ! આપનો, સૌ ભક્ત શાસનના ચહે. ૮.
✽
[ ૭૭ ]