૯૪] [હું
જિનેન્દ્રપણું ક્યાંથી આવશે? માટે નક્કી થાય છે કે પોતાનો આત્મા જ સ્વભાવથી
જિનેન્દ્ર છે. જિન અને જિનેન્દ્રમાં કાંઈ ફેર નથી. સમભાવથી એટલે કે પર તરફના
રાગના વલણને રોકી સ્વ તરફનું વલણ કરવાથી સ્વાત્મા શ્રદ્ધાય છે, દેખાય છે.
યોગીન્દ્રદેવ જંગલમાં વસતા હતા, તેણે આ રહસ્ય કહ્યું છે. એ રહસ્યનો ધરનાર તું છો,
પણ જીવ ઓશીયાળો-પામર એવો થઈ ગયો છે કે મને ઘર, બાર, બૈરા, છોકરાં આદિ
પર વગર ન ચાલે!
तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ ।
देहा–देउलि जो मुणइ सो वुहु को वि हवेइ ।। ४५।।
તીર્થ-મંદિરે દેવ જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તન-મંદિરમાં દેવ. ૪પ.
જ્ઞાની શરીરમંદિરમાં આત્માને દેખે છે. પહેલાં નહોતો દેખતો તેની વાત હતી,
હવે દેખે છે તેની વાત કહે છે.
અજ્ઞાની જીવ તો ભગવાનના સ્થાપનાનિક્ષેપમાં જ આત્મા માની લે છે.
સ્થાપના નિક્ષેપમાં ભાવ ભગવાન માની લે તો ભ્રમ છે જ, તેમાં આત્મા માનવો એ
મોટી ભૂલ છે. અજ્ઞાની ત્યાં આત્માને જોવા જાય છે પણ આત્મા મળતો નથી
જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ ન ઠરે ત્યાં સુધી ભગવાનના દર્શનનો ભાવ
આવે જ. ન આવે એમ નહિ, પણ ત્યાં આત્માના દર્શન ન થાય. જે કોઈ દેહદેવાલયમાં
ભગવાન આત્માને દેખે છે, દર્શન કરે છે તે જ્ઞાની છે. દેવળમાં બિરાજતાં ભગવાન
મારા ઉપકારી છે. માટે પૂજવા લાયક છે એમ માને એમાં દોષ નથી. જ્ઞાની એમ
માનીને જ ભગવાનને ભજે છે.
એક વાત એવી છે ને કે એક જણે બીજાને રૂા. ૧૦૦ આપ્યા હશે. તેના
છોકરાએ પેલાના છોકરાને કહ્યું કે મારા બાપે તારા બાપને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા છે
તે લાવ. સામાએ કહ્યું કે હું ચોપડામાં જોઈશ. ચોપડામાં જોયું તો રૂા. ૧૦૦ નીકળતા
હતા પણ રૂા ૧૦૦ કબૂલવા જઈશ તો વધારે ચોંટશે એટલે બે મીંડા જ ઉડાવી દીધાં કે
મારા બાપે લીધાં જ નથી. આણે બે મીંડા કાઢી નાખ્યા અને પેલાએ બે મીંડા
ચડાવ્યા’તા. એમ મૂર્તિ હોય પણ સાદી હોય, આંગી ન હોય. તોય શ્વેતાંબરોએ ચડાવી
દીધી ત્યારે સ્થાનકવાસીએ મૂર્તિ જ ઉડાડી દીધી. બેય ખોટા છે.
દેવળમાં જ દેવ છે, દેહદેવળમાં નહિ એમ બધા માને છે, પણ દેવળમાં તો
ભગવાનની મૂર્તિ છે પણ સાક્ષાત્ દેવ તો દેહદેવળમાં બિરાજે એમ કોઈ જોતું નથી ને
માનતું નથી.
સમ્યગ્દ્રષ્ટિ સદાય જાણે છે અને માને છે કે જ્યારે હું અંતરદ્રષ્ટિ કરું છું ત્યારે
મને મારો આત્મા જ જણાય છે અને ઈ આત્મદર્શન જ નિર્વાણનું કારણ છે.
દાખલો દે છે કે જેમ સિંહની મૂર્તિને જોઈને મને ખાઈ જશે એમ માને તે મૂઢ છે.