પરમાત્મા] [૯૩
તેને વ્યવહારમાં એવા ભક્તિના ભાવ આવે છે. વ્યવહાર નથી એમ નથી; વ્યવહાર છે
પણ તે વ્યવહારથી નિશ્ચય થશે એમ નથી.
અરે! મને હાંસી આવે છે કે મોટો રાજા થઈને ઘેર ઘેર ભીખ માગે તેમ પોતે
ચૈતન્યરાજા અને મંદિરમાં ભગવાન પાસે આત્માની ભીખ માગે છે! આ તો યોગસાર
છે ને! યોગ નામ જોડાણ. પોતામાં એકાકાર થઈ જોડાય તેનું નામ યોગસાર.
શુભભાવમાં જ્ઞાની હોય ત્યારે એમ પણ કહે કે-શ્રીમદ્નું વાક્ય છે ને કે-
‘ભજીને ભગવંત ભવંત લહો!’ ભગવાનનું ભજન કર્યે ભવનો અંત આવશે. પણ
ભગવાનનું સાચું ભજન ક્યારે કહેવાય? કે જ્યારે પોતાનું ભજન કરે અને પોતાનું
ભજન કરે તો ભવનો અંત આવે જ. પોતાના ભગવાનને ઓળખે ત્યારે જ ભગવાનને
ઓળખે અને ભજે છે. ‘સિદ્ધ સમાન સદા પર મેરો’ એમાં ઠરી જા!
ઘરમાં લક્ષ્મી છે અને બહારમાં ભીખ માંગવા જાય, તેમ ચૈતન્યલક્ષ્મી પોતાની
પાસે છે અને ભગવાન પાસે માગે છે. તો ભગવાન કહે છે કે તારી લક્ષ્મી તારી પાસે
છે. તારી લક્ષ્મી મારી પાસે નથી.
અંતરના ચારિત્ર વિના બાહ્ય ચારિત્ર રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે. પોતાના
સ્વરૂપના ભાન અને રમણતા વગર બહારનું ચારિત્ર મિથ્યા છે, જૂઠું છે. જેણે ખરેખર
તો આત્મદેવને અંતરમાં જોઈ લીધો તેને બહારની ક્રિયામાં મોહ રહેતો નથી. પરમાર્થથી
બાહ્ય જીવો મોક્ષમાર્ગને સમજતા જ નથી અને પુણ્યને જ નિર્વાણનો માર્ગ માની લે છે.
પર તરફના લક્ષથી-દયા-દાન-વ્રત-ભક્તિથી કદી પણ મોક્ષ થતો નથી. વ્યવહારથી
નિશ્ચય પમાતો નથી એમ સિદ્ધ કરવું છે.
હવે સમભાવરૂપ ચિત્તથી પોતાના જિનદેવને દેખો એમ કહે છેઃ-
मूढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति ।
देहा–देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ।। ४४।।
નથી દેવ મંદિર વિશે, દેવ ન મૂર્તિ, ચિત્ર;
તન-મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪.
પરદેવાલયમાં દેખવાથી તો શુભરાગ થાય છે પણ સ્વદેવાલયમાં દેખવાથી
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. શુભરાગથી ચૈતન્યમૂર્તિ દેખાતી નથી.
ચૈતન્યમૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે. કારણ કે એ
ચૈતન્યમૂર્તિમાં રાગનો અભાવ છે. નિજ આત્મપ્રભુને જોવામાં સમભાવ જોઈએ.
હે મૂર્ખ! દેવ કોઈ બીજા મંદિરમાં નથી કે નથી પાષાણમાં કે નથી શિલ્પમાં,
જિનદેવ તો શરીરરૂપી દેવાલયમાં બિરાજે છે. આત્મા જ પોતાના વીતરાગી સ્વભાવનો
ઈશ્વર હોવાથી જિનેન્દ્ર છે. બેહદ શાંતસ્વરૂપ નિરાકુળ છે. સ્વભાવમાં જિનેન્દ્રપણું ન
હોય તો પર્યાયમાં