Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 97 of 238
PDF/HTML Page 108 of 249

 

background image
પરમાત્મા] [૯૭
સ્વભાવનું સ્વસંવેદન અર્થાત્ આત્માને જાણે-વેદે ને ઠરે તે એક જ જન્મ-મરણ
ટાળવાનો ઉપાય છે. એટલે કે પુણ્ય-પાપના વિકારીભાવનો અનુભવ તો રોગને ઉત્પન્ન
કરવાનું કારણ છે. જ્યારે આત્માનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે-
“આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુવૈદ્ય સુજાણ,
ગુરુ–આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.”
રાગમાં, પુણ્યમાં, શરીરમાં આત્મા છે-એવી માન્યતા મોટો ભ્રમ છે. અહીંયા કહે
છે કે ભાઈ! તારો પુરુષાર્થ કાં તો વિકારમાં ચાલે છે ને કાં તો સ્વભાવમાં ચાલે, તે
સિવાય પરમાં જરીયે તારો પુરુષાર્થ કામ કરે નહીં. આહાહા! પોતાની સત્તામાં રહીને
કાં તો વિકાર કરે ને કાં તો આત્માનો અનુભવ કરીને મુક્તિ કરે. બાકી બહારનું ફોતરું
પણ તે ફેરવી શકે નહીં. તેનો રોગ શું છે તે બતાવનાર જ્ઞાની છે. અને તેની આજ્ઞા છે
કે વિચાર ને ધ્યાન તે રોગનું ઔષધ છે. ભગવાન આત્માની પર સન્મુખની
ઉપયોગદશાને ફેરવી પોતાના અંર્તસ્વભાવમાં ઉપયોગને જોડવો તે યોગસાર છે ને તેને
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અને એ જ ધર્મ-રસાયણ છે કે જે પીવાથી
પરમાનંદનો લાભ થાય છે. આત્મામાં થતાં શુભ-અશુભભાવ તે ધર્મ નથી. પરંતુ
આત્માના શુભ-અશુભભાવથી ખસીને અંતર આત્મામાં શુદ્ધ ભાવ પ્રગટ કરવો તેને
ભગવાન ધર્મ કહે છે, અને આત્માનો અનુભવ જ મોક્ષનો ઉપાય છે.
જેમ વિદ્વાન લોકો ટાણાને ઓળખીને શત્રુને હણી નાખે છે. તેમ હે આત્મા! તને
અવસર મળ્‌યો છે તો અત્યારે મનુષ્યદેહમાં આત્માનું ભાન કરીને વિકારરૂપી શત્રુનો
નાશ કરવાનો તારો કાળ છે. તારે ટાણા આવ્યા છે.
હવે આગળની ગાથામાં બાહ્યક્રિયામાં ધર્મ નથી તેમ કહે છેઃ-
धम्मु ण पढियई होइ धम्मु ण पोत्था–पिच्छियई ।
धम्मु ण मढिय–पणसि धम्मु ण मत्था–लुंचियई ।। ४७।।
શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુંચે કેશ;
રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
અરે! મોટા મોટા શાસ્ત્ર ભણીને પંડિત થઈ જાય તેથી ધર્મ થઈ ગયો છે તેમ
નથી. તેમ જ નગ્નપણું, મોરપીંછી ને કમંડળ તે કાંઈ ધર્મ નથી. યોગીન્દુદેવ પોતે મુનિ
છે, નગ્ન દિગમ્બર, જંગલવાસી આચાર્ય છે ને આત્મધ્યાનમાં મસ્ત છે. તેઓ આમ કહે
છે કે કોઈ એકાંત વનમાં કે મઠમાં રહે તેમાં શું થયું? વનમાં તો ઘણા ચકલા પણ રહે
છે. જ્યાં ધર્મનું ભાન નથી ત્યાં મઠ ને વન એક જ છે. જ્ઞાનાનંદ શુદ્ધ આત્માનું ભાન
કરીને તે ભલે વનમાં રહે કે ભલે ઘરમાં રહે પણ તે આત્મામાં જ છે. કેશલોચનથી
પણ ધર્મ નથી.