૯૮ ] [ હું
આહાહા! લોકોને એમ થઈ જાય છે કે આ શું? પણ ભાઈ તે તો જડની બહારની
ક્રિયા છે. આત્માની કાંઈ ક્રિયા નથી. જો તેમાં પણ મંદરાગ કરીને સહનશીલતા કરે તો
પુણ્યભાવ છે. પણ આત્માના ભાન વિના માથા મુંડાવે તેમાં કાંઈ ધર્મ છે નહીં.
જેનાથી જન્મ-જરા-મરણનું દુઃખ મટે, કર્મોનો નાશ થાય ને સ્વાભાવિક દશા
પ્રગટ થાય તે આત્માનો નિત્ય સ્વભાવ છે ને તે ધર્મ છે. માટે કહે છે કે જો પોતાની
શ્રદ્ધા કરશે, પોતાનું જ્ઞાન કરશે, ને તેમાં એકાગ્રતા કરશે, તો તેને સાચા શુદ્ધ
ઉપયોગની પ્રાપ્તિ થશે. આહાહા! ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે. જગતનો સાક્ષી
જગતના દ્રશ્યનો દેખનાર જ્ઞેયનો જાણનાર છે. તો તેવા ભગવાન આત્માને અનુભવમાં
ન લઈને તે સિવાય બહારની ક્રિયાને-માત્ર વ્યવહારને જે કરે છે ને માને છે કે હું
ધર્મનું સાધન કરું છું તો તે ધર્મનું સાધન છે નહીં.
જેમ ખેતર સાફ કરે પણ બીજ વાવ્યા વિના ઉગે ક્યાંથી? શું બીજ વિના
ઢેફામાંથી છોડ ફાટે? તેમ ભગવાન આત્માનો અનુભવ કર્યા વિના મોક્ષના કણસલા
ક્યાંય પાકે નહીં. ભલે પછી બહારની ક્રિયા કરી કરી ને મરી જાય; દયા દાન ભક્તિ
કરે, લાખો ક્રોડોના દાન કરે કે લાખો ક્રોડો મંદિર બનાવે તોપણ તેમાં ધર્મ થાય તો
હરામ છે. ફકત શુભભાવથી પુણ્ય બંધાય. તેવી રીતે પરમાનંદમૂર્તિ શુદ્ધાત્માનો અનુભવ
ન હોય ને કેવળ શાસ્ત્રનો પાઠી-એકલા શાસ્ત્ર ભણે, મહા વિદ્વાન મહા વક્તા હોય ને
ધર્માત્માનું અભિમાન કરતો હોય તો તે પણ મિથ્યા છે. તે ખરેખર ધર્માત્મા નથી. ધર્મ
તો આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવો તે છે. અહીંયા કહે છે કે શ્રદ્ધામાં દ્રઢ રાખવું
જોઈએ કે અંતર આત્મામાં પુણ્ય-પાપના ભાવ રહિત શુદ્ધ આત્માની ભાવના થવી અને
ભાવ થવો તે જ મુનિ અને શ્રાવક ધર્મ છે. અશુભભાવથી બચવા શુભ ભાવ આવે
પણ તે નિશ્ચયધર્મ વિના, એકડા વિનાના મીંડા છે. શુદ્ધજ્ઞાન ને આનંદનો અનુભવ તે
ધર્મની ઓળખાણ છે. પણ દયા-દાનના વિકલ્પ જે વિકાર છે, તે ધર્મની ઓળખાણ છે
નહીં. જેમ ચોખા વિનાના એકલા ફોતરા હોય, તેમ આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના
અનુભવ વિના બાહ્યની ક્રિયા મહાવ્રતના પરિણામ આદિ બધા થોથા થોથા છે. તે તો
પુણ્યબંધ કરાવીને સંસારને વધારનાર છે. જેટલી વીતરાગતા છે, તેટલો જ ધર્મ છે.
તેથી હે આત્મા! તું અહંકાર કર નહીં કે હું મોટો પૈસાવાળો છું, ગુણવાન છું, હું સમર્થ
છું ને હું મુનિરાજ છું-એવો અંહકાર છોડી દે અને ભગવાન આત્મા શુદ્ધ
ચૈતન્યસ્વભાવી વસ્તુ છે, તેનો નિરંતર અનુભવ કર. ભગવાન આત્મા નિરાળો
જ્ઞાનાનંદ છે. તેને આવા બહારના અભિમાન શાના? ભારે આકરું! વ્યવહાર છે ખરો
પણ વ્યવહારથી લાભ થાય નહીં.
હવે રાગ-દ્વેષ છોડીને આત્મસ્થ થવું તે ધર્મ છે એમ કહે છેઃ-
राय–रोस वे परिहरिवि जो अप्पाणि वसेइ ।
सो धम्मु वि जिण–उत्तियउ जो पंचम–गइ णेइ ।। ४८।।
રાગદ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ;
જિનવરભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮.