Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 112 of 238
PDF/HTML Page 123 of 249

 

background image
૧૧ર] [હું
૩. આત્મા સૂર્ય સમાન પ્રકાશમાન અને પ્રતાપવાન છે. પોતાની પ્રભુતાથી
ભરેલું, અનાદિ અનંત તત્ત્વ સ્વતંત્રપણે પોતાના અખંડ પ્રતાપથી શોભે છે. અનંત
વીર્યનો-અનંત બળનો સૂર્ય ભગવાન આત્મા છે. સૂર્ય તો આતાપવાળો છે પણ
ચૈતન્યસૂર્ય તો પરમ શાંત છે. જગતમાં સૂર્ય તો અસંખ્ય છે પણ પોતાનો ચૈતન્યસૂર્ય
તો અનુપમ છે. દ્રવ્યસ્વભાવ-વસ્તુસ્વભાવરૂપ આ સૂર્ય કદી કોઈથી ઢંકાતો નથી. કર્મથી
અવરાઈ જાય કે રાગના વિકલ્પમાં ગ્રસાઈ જાય એવો આ સૂર્ય નથી. જ્યારે બહારનો
સૂર્ય તો મેઘ અને ગ્રહોથી ઢંકાઈ જાય છે. ચૈતન્યસૂર્ય સ્વયં પરમાનંદમય છે. એને જે
દેખે તેને તે આનંદકારી છે. શુદ્ધાત્મા પોતે જ્ઞાન ને આનંદનો દાતાર છે. વળી તે સદા
નિરાવરણ અને નિયમિત પોતાના અસંખ્યપ્રદેશ-સ્વપ્રદેશમાં રહેનારો છે. દેહમાં રહેવા
છતાં પોતાના આકારે રહે છે.
૪. દૂધમાંથી જેમ દહીં થાય છે તેમ દૂધ સમાન પોતાના ભગવાન આત્માનું
એકાગ્ર ધ્યાન કરવાથી દહીંની જેમ મીઠાશ પ્રગટ થાય છે અને દહીંમાંથી ઘી થાય તેમ
ધ્યાન દ્વારા આત્માની મુક્તિ થાય છે. દૂધ મેળવતાં દહીં થાય તેમ આત્મામાં એકાગ્ર
થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય અને દહીં વલોવતાં માખણ અને ધી થાય
તેમ આત્મામાં વિશેષ લીન થતાં મુક્તિરૂપી ઘી પ્રગટ થાય છે.
મુમુક્ષુએ નિજ આત્મારૂપી ગોરસનું જ નિરંતર પાન કરવું જોઈએ. પોતાનો
આત્મા જ દૂધ, પોતાનો આત્મા જ દહીં ને પોતાનો આત્મા જ ઘી છે. એટલે કે શુદ્ધ
ચૈતન્યનું સત્ત્વ તે દૂધ તેને મેળવવાથી એટલે તેમાં એકાગ્ર થવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રરૂપી દહીં બને અને તેમાં વિશેષ એકાગ્ર થવાથી કેવળજ્ઞાનનું માખણ મળે છે.
પછી મુક્તિરૂપી ઘી તૈયાર થાય છે.
પ. આત્મા પત્થર સમાન દ્રઢ અને અમીટ છે. કણી ન ખરે એવા ચીકણાં પત્થર
હોય તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ છે, તેમાંથી એક પણ
પ્રદેશ કે એક પણ ગુણ ખરે નહિ તેવો પત્થર જેવો આત્મા છે. અનંત જ્ઞાનાદિ
શક્તિમાંથી એક પણ શક્તિ કદી ઓછી થતી નથી. ચંદ્ર-સૂર્ય પણ એક જાતના પત્થર છે
તેમાંથી એક કણી પણ ક્યારેય ખરતી નથી. પત્થર બીજી વસ્તુને રહેવા સ્થાન ન આપે
તેમ આત્મા વિકલ્પને પણ પોતામાં સ્થાન આપતો નથી. અનંત ગુણનો ઢીમ આત્મા
રાગ-કર્મ-શરીરાદિને સ્થાન આપતો નથી. મગશેળિયા પત્થરને પાણી પણ અડે નહિ તેમ
ભગવાન આત્માને રાગ અડતો નથી. રાગનું પાણી આત્મામાં પેસી શકતું નથી.
૬. આત્મા શુદ્ધ સુવર્ણ સમાન, પરમ પ્રકાશમાન, જ્ઞાનધાતુથી અનાદિ અનંત
બિરાજમાન અદ્ભુત મૂર્તિ છે. મલિન સુવર્ણ પોતાની યોગ્યતાથી જ અગ્નિના સંગે સો
ટચનું શુદ્ધ સુવર્ણ બને છે તેમ રાગ-દ્વેષ-મોહની કાલિમાસંયુક્ત આત્મસુવર્ણ પણ
પોતાની યોગ્યતાથી જ પોતામાં એકાગ્રતારૂપ અગ્નિથી સો ટચનો શુદ્ધ આત્મા બને છે.
સ્વભાવે તો શુદ્ધ હતો જ, તે પર્યાયમાં પણ શુદ્ધ બને છે.
૭. હવે ચાંદીની ઉપમા આપે છે. આત્મા ચાંદી સમાન પરમ શુદ્ધ અને નિર્મળ છે.