૧૧૪] [હું
આત્મા અત્યારે અને ત્રણે કાળ અસંગ અને નિર્લેપ છે. તેને પરપદાર્થ સાથે કાંઈ જ
સંબંધ નથી એવો આત્માને અંતરમાં અનુભવવો તે સમ્યગ્દર્શન મોક્ષનું બીજ છે.
અગ્નિના ભડકા ભડ-ભડ બળતાં આકાશમાં દેખાય, વાદળ દેખાય, વર્ષા દેખાય
છતાં એ બધાંથી આકાશ નિર્લેપ છે તેમ રોગરૂપી ભડકાથી આત્મ-આકાશ ભિન્ન-
નિરાળો છે. ૯૬૦૦૦ સ્ત્રીઓના વૃંદમાં પડેલો દેખાય. હીરા-માણેકના મોટા હાર પહેરેલ
દેખાય છતાં ચૈતન્યચક્રવર્તી એ બધાંથી અસંગ અને નિર્લેપ છે. માટે કહે છે કે અનેક
સંગ-પ્રસંગમાં રહ્યો છતાં સ્વભાવ સંગ-પ્રસંગ રહિત છે એવી દ્રષ્ટિ કરનારને પરમબ્રહ્મ
પરમાત્મા પ્રાપ્ત થાય છે.
આ તો યોગસાર છે ને! એકલું માખણ ભર્યું છે. અજ્ઞાની જીવને બહારમાં જ
રુચિ અને હોંશ છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું-એમ આવડતના અભિમાન કરીને હું
બીજાથી અધિક છું એમ બતાવીને હોંશ કરે છે. તેને અહીં સંતો કહે છે કે તું રાગની
હોંશ નહીં કર, જ્ઞાનની હોંશ કર! જ્ઞાન તારો સ્વભાવ છે, બહારમાં તો બધું ધૂળ ધાણી
અને વા પાણી છે.
અરે! સંતો દ્રષ્ટાંતો પણ કેવા આપે છે! સિદ્ધાંતને સિદ્ધ કરે તેવા સચોટ દ્રષ્ટાંત
આપે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, અનેક પ્રકારના પુદ્ગલો, અનંતા જીવો બધું આકાશના
અસંખ્ય પ્રદેશની અંદર છે છતાં આકાશને એ પરદ્રવ્યો અડતાં પણ નથી એમ ભગવાન
સર્વવ્યાપક જ્ઞાયક જ્યાં હોય ત્યાં જાણનાર...જાણનાર...જાણનાર...બસ...જાણનાર...પછી
ભલે તે નરકનાં દુઃખમાં હો કે સ્વર્ગના સુખમાં હો, શરીરના તીવ્ર રોગમાં હો કે
તંદુરસ્ત નીરોગ શરીરમાં હો, પણ નિર્લેપ ચૈતન્યપરમાત્માને આ સંયોગ અડતાં પણ
નથી. આકાશની જેમ પોતાના અસંગ પરમાત્માની દ્રષ્ટિ કરતાં જીવ પોતાના
પરમબ્રહ્મસ્વરૂપ આત્માને પ્રાપ્ત કરે છે અને ક્રમે કેવળજ્ઞાન લક્ષ્મીને વરે છે.
અનંતા જીવ-પુદ્ગલોની વિકારી પરિણતિથી આકાશની પરિણતિમાં વિકાર
આવતો નથી. આકાશ તો આકાશપણે જ સદાય રહે છે. તેમ જ્ઞાયક તો સદાય
જ્ઞાયકપણે જ રહે છે ચૈતન્યપ્રકાશના તેજ અચેતન વિકલ્પરૂપે પણ કદી ન થાય. આવા
નિર્લેપ ચૈતન્યને દ્રષ્ટિમાં લેવો તે એકમાત્ર મુક્તિનો-પરમપદ પ્રાપ્તિનો ઉપાય છે.
આકાશની સત્તા અલગ અને આકાશમાં રહેલાં પદાર્થોની સત્તા અલગ છે. તેમ
ધન, કુટુંબ આદિ પરપદાર્થોની સત્તા અલગ અને આત્માની સત્તા તેનાથી અલગ છે.
અરે! તેજસ અને કાર્મણ શરીરની સત્તા પણ આત્માની સત્તાથી જુદી છે. કષાયની
તીવ્રતા કે મંદતા તથા મન-વચન-કાયાની સર્વ ક્રિયાઓથી આત્મા તદ્ન ભિન્ન છે.
આત્માનો કોઈ સ્વામી નથી. ને આત્મા કોઈનો સ્વામી નથી. આત્માનું કોઈ ગામ નથી,
કોઈ ધામ નથી. જુઓ! આ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાન એટલે જે ચીજો જેવી છે તેવું તેનું
જ્ઞાન તે ભેદજ્ઞાન! મારામાં પરનો અભાવ છે અને પરમાં મારો અભાવ છે.
ભલે અનંત સિદ્ધો અને અનંત સંસારી મારી સત્તા જેવા જ છે. છતાં મારી
સત્તા અને એ જીવોની સત્તા નિરાળી નિરાળી છે. મારા ગુણ તેનાથી નિરાળા છે. મારું
પરિણમન તેનાથી નિરાળું છે. હું સંયોગો સાથે એકમેક થયો નથી. હું અનાદિકાળથી
એકાકી રહ્યો છું અને અનંતકાળ એકાકી જ રહેવાનો છું.