પરમાત્મા] [૧૧પ
[પ્રવચન નં. ૨૧]
નિજ આત્માને પરમાત્મા જાણવાનું ફળ શું?
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ર૯-૬-૬૬]
અહીં યોગસારની પ૮ ગાથા પૂરી થઈ. છેલ્લી ગાથામાં આવ્યું હતું કે જેમ
આકાશમાં અનેક પદાર્થો રહેલાં દેખાય છે છતાં એ દરેક પદાર્થો પોતામાં રહ્યા છે,
આકાશરૂપે થયા નથી, તેમ જ્ઞાનમાં પદાર્થો જણાય છે તોપણ પર પદાર્થો આત્માથી જુદાં
છે, પર પદાર્થો આત્મામાં નથી. આમ આ પ્રકારે આકાશ અને આત્મામાં સમાનપણું
હોવા છતાં બે વચ્ચે ફેર શું છે તે હવે કહે છે.
जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु ।
आयासु वि जडु जाणि जिय अप्पा चेयणुवंतु ।। ५९।।
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. પ૯.
આકાશમાં પરદ્રવ્ય નથી તેમ આત્મામાં પણ પરદ્રવ્ય નથી. આકાશ શુદ્ધ છે તેમ
આત્મા પણ પોતાના સ્વરૂપે શુદ્ધ છે. પચરંગી વાદળ હો કે બીજા પાંચ દ્રવ્યો આકાશમાં
હો, પણ તેના રંગે આકાશ રંગાયેલું નથી. સર્વદ્રવ્યોથી આકાશ અલિપ્ત છે, તેમ આત્મા
વિકાર કે પરચીજથી રંગાયેલો નથી. આવા શુદ્ધ આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરવું
તેને યોગસાર કહે છે.
આકાશ શુદ્ધ છે અને આત્મા પણ શુદ્ધ છે પણ હે જીવ! આકાશ જડ છે, તેનામાં
ચેતના નથી. જ્યારે આત્મા ચેતન છે. આકાશ આકાશનું ધ્યાન કરી શકતું નથી કેમ કે
તેનામાં જ્ઞાન નથી, જ્યારે આત્મા પોતાનું ધ્યાન કરી શકે છે કેમ કે તે જ્ઞાનવાન છે
માટે તે બન્નેમાં મહાન તફાવત જાણી હે જીવ! તું જ્ઞાનસ્વરૂપી આત્માનું ધ્યાન કરજે!
આત્મા ચેતનાર છે, જાણનાર છે, એકાગ્ર થનાર છે, માટે જાણનારને તું જાણજે.
ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે તેનું જાગ્રત થઈને ધ્યાન કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે.
આકાશ સર્વવ્યાપી છે તેની સાથે આત્માને સરખાવે છે કે આત્મા પણ આકાશની
માફક સર્વવ્યાપી છે. આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપી છે અને આત્મા ભાવથી સર્વને
જાણનારો છે માટે સર્વવ્યાપી છે.
દરેક દ્રવ્ય પરમસ્વભાવી છે. પારિણામિકભાવે પરમાણુ, આકાશ આદિ છએ દ્રવ્યો
પરમસ્વભાવી છે પણ એ પરમસ્વભાવને આત્મા જાણી શકે છે. એ જ્ઞાનગુણની
વિશેષતા છે.