પરમાત્મા] [૧૩૧
વાત જગતને સાંભળવી દુર્લભ છે. પરિચય કરવો દુર્લભ છે અને અનુભવમાં લેવી એ
તો એથી પણ વધુ દુર્લભ છે.
કેટલાક પંડિતો વિદ્વાનો ક્રિયાકાંડથી ધર્મ મનાવે છે. જ્યારે અહીં ક્રિયાકાંડથી તો
ધર્મ ન થાય પણ વિકલ્પથી કે ગુણભેદથી પણ ધર્મ ન થાય એવી વાત છે. ધર્મી-
ભગવાન આત્મા અને આનંદ તેનો ગુણ એવા ભેદના લક્ષથી પણ ધર્મ ન થાય. આવી
વાત કહેનારા વિરલા જ્ઞાની પણ જો કદાચ મળી આવે તો તેને સાંભળનારાં રુચિવંત
શ્રોતા પણ દુર્લભ છે.
ભાઈ! તું તો નિર્દોષ દશા પ્રગટ કરવા માગે છે તેવી અનંતી દશા-અવસ્થાનો
પિંડ જ તું પોતે છો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પિંડ તું પોતે છો, તેના સિવાય બીજું
તારે શું જોઈએ છે? રુચિવંત જીવોને માટે આ વાત છે. આવા જીવો જગતમાં બહુ
વિરલ છે. તેમાં પણ આત્માનુભૂતિ પ્રગટ કરનારાં જીવો તો વિરલ... વિરલ...વિરલ છે.
આ માનવજન્મ પ્રાપ્ત કરીને નિર્મળ અનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય કરવો
જરૂરી છે. જેને આત્મજ્ઞાનની રુચિ થાય તેને માર્ગ મળે જ છે. એ માર્ગથી જીવ સીધો
મોક્ષમાં પહોંચી જાય છે.
આ ભયાનક સંસારમાં રખડતાં જીવને આત્મજ્ઞાનરૂપી મહારત્ન ક્યાંય મળ્યું
નથી. હવે જો તને આ રત્ન મળ્યું હોય-આત્મજ્ઞાન થયું હોય તો જરા પણ પ્રમાદ ન
કરીશ. વિષયોની લોલુપતામાં આ રત્ન ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. આ વાત
‘સાર સમુચ્ચય’ માં લીધી છે અને ટોડરમલજી પણ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ માં લખે છે કે
આત્માની અનુભૂતિમાં રહેજે, બહાર ખોવાઈ ન જઈશ! આ ચિઠ્ઠી તો એવી અમૂલ્ય છે
કે એક માણસે લખેલું કે જો આ ચિઠ્ઠી અંગ્રેજીમાં હોત અને વિલાયતમાં પહોંચી હોત
તો એક એક ચિઠ્ઠીની કિંમત હજારોની થાત.
આ રીતે ૬૬મી ગાથામાં આત્મરસિક જીવોની વિરલતા બતાવી. હવે ૬૭માં
મુનિરાજ કહે છે કે કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છે.
इहु परियण ण हु महुतणउ इहु–दुक्खहं हेउ ।
इम चिंततहं किं करइ लहु संसारहं छेउ ।। ६७।।
આ પરિવાર ન મુજતણો, છે સુખદુઃખની ખાણઃ
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭
ધર્માત્મા જીવે નિજ આત્મસ્વભાવમાં યોગ નામ જોડાણ-એકાગ્રતા કરવા માટે
કુટુંબ પ્રત્યેનો મમત્વભાવ છોડવાયોગ્ય છે. કુટુંબના મોહમાં રોકાઈને આત્મધ્યાન ખોવા
જેવું નથી. કુટુંબ-પરિવાર એ તો ધૂતારાની ટોળી છે. નિયમસારમાં આવે છે ને!
પોતાના સ્વાર્થ માટે-પોતાનું પેટ ભરવા માટે ધૂતારાની ટોળી મળી છે. સ્ત્રી, પુત્ર,
પરિવાર આદિ લૌકિક સુખ-દુઃખના એટલે કે દુઃખના જ નિમિત્તો છે. તેના પાલન-
પોષણમાં રોકાઈશ નહિ. આત્માની દરકાર કરીને આત્માનું ધ્યાન કરજે.