૧૩૨] [હું
પ્રશ્ન- કુટુંબના માણસોને ભૂખ્યા મરવા દેવાય?
અરે ભૂખ્યા કોણ મરે? બધાને પોત-પોતાના પુણ્ય પ્રમાણે મળી જ રહેવાનું છે.
તેનું ભરણ-પોષણ તું કરીશ તો જ થશે એમ નથી.
યોગસાર છે ને! આત્મામાં એકાગ્ર થવા માટે કુટુંબ આદિનો મોહ છોડજે! એ
તો પોતાના કારણે આવ્યા છે, પોતાના કારણે ટકી રહ્યાં છે અને પોતાના કારણે ચાલ્યા
જશે; તારે અને એને કાંઈ સંબંધ નથી. આમ મોહ છોડીને અંદરમાં એકાકાર નહિ થા
તો એકાગ્રતા-યોગસાર નહિ થઈ શકે. અરે! જ્યાં શરીર મારું નથી ત્યાં શરીરના
સંબંધવાળા મારા ક્યાંથી હોય? બધાં મારા શરીરને ઓળખે છે કે આ મારો દીકરો છે
ને આ મારા પિતા છે. આત્માને તો કોઈ ઓળખતું નથી.
ઈન્દ્રિયસુખનો કામી જીવ ઈન્દ્રિયવિષયોના સહકારી કારણોને છોડતો નથી. સ્ત્રી,
પુત્ર, પરિવાર, ધન, મકાન, આબરૂ એ બધાં મારા સુખના સાધન છે-એમ માનનારો
તેમાંથી રુચિ છોડી શકતો નથી. બાલ્યાવસ્થામાં માતા-પિતા દ્વારા પાલન-પોષણ અને
લાડ-પ્યાર મળે છે તેથી બાળકને માતા-પિતા પ્રત્યે તીવ્ર મોહ થાય છે. યુવાનીમાં સ્ત્રી
અને પુત્ર-પુત્રીથી ઈન્દ્રિયસુખ મેળવે છે તેથી તેનો મોહ કરે છે. જે મિત્રોથી અને
નોકર-ચાકરથી ઈન્દ્રિયસુખમાં સહકાર મળે છે તેને સારા માની રાગ કરે છે અને જે
સુખમાં બાધક થાય તેને દુશ્મન સમજી દ્વેષ કરે છે. આમ બધાં પ્રાણી ઈન્દ્રિયસુખના
સ્વાર્થ ખાતર બીજાં પ્રત્યે મોહ કરે છે પણ આત્માનું સુખ એ જ વાસ્તવિક સુખ છે
અને ઈન્દ્રિયસુખ એ તો દુઃખ છે. એવી જો તેને પ્રતીતી થાય તો ઈન્દ્રિયસુખના
નિમિત્તોંને પણ સહકારી માને નહિ અને તેમાં મોહ કરે નહિ.
જેમ કમળને જળનો સ્પર્શ નથી, કમળ જળથી અલિપ્ત છે, તેમ જેણે નિજ
આત્માનો અનુભવ કરી અતીન્દ્રિયસુખ પ્રાપ્ત કર્યું છે એવા ધર્મી જીવ ગૃહસ્થાશ્રમમાં
જળકમળવત્ નિર્લેપ રહે છે.
સ્ત્રી, પુત્ર આદિ બધા મારા આત્માથી સર્વથા ભિન્ન છે. આત્મા સાથે સંબંધવાળા
નથી. તેમનો સંયોગ વાયુ સમાન ચંચળ છે. પવનથી જેમ પાંદડા આમતેમ ઉડે તેમ
પૂર્વના પુણ્ય-પાપ અનુસાર ક્ષણિક સંયોગો આવે છે ને જાય છે. તેમાં ઈન્દ્રિય સુખના
લોલુપી અને અતીન્દ્રિય સુખના અજાણ-મૂર્ખ જીવો અનુકૂળ સંયોગ મળતાં એવી
કલ્પના કરે છે કે જાણે અમને સ્વર્ગ મળી ગયું, પણ પોતાના આત્માનો અનુભવ કરીને
અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરવાનો આ મૂર્ખ જીવો પ્રયત્ન જ કરતાં નથી. જે કેવળજ્ઞાન
લક્ષ્મીનો સ્વામી છે એવા આત્માની ઓળખાણ કરીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ
કરવાની ભાવના મોક્ષાર્થી જીવો જ કરે છે. વિષયલોલુપી જીવો તો પોતાના પુણ્યાધીન
મળેલા ક્ષણિક અનુકૂળ સંયોગોમાં જ સાચું સુખ માનીને અટકી જાય છે, તેને
અતીન્દ્રિય સુખની રુચિ થતી નથી.
અંદરમાં અનુકૂળતાનો પિંડ-ભગવાન આત્મા બિરાજમાન છે તેની દ્રષ્ટિ ન કરતાં
બહારની ક્ષણિક અનુકૂળતામાં રુચિ કરે છે, સુખ માને છે તે ભ્રમણા છે. એમ કહી હવે
આચાર્યદેવ સંસારમાં કોઈ શરણદાતાર નથી એ વાત બતાવે છે.