૧૩૬] [હું
એકલાને જ ભોગવવું પડશે, તેમાં કોઈ કુટુંબીજનો ભાગીદાર નહિ થાય. માટે પાપ
કરતાં પહેલાં જીવે વિચારવા જેવું છે.
દરેક જીવની સત્તા નિરાળી છે-જુદી જુદી છે. દરેકના ભાવો અલગ અલગ છે.
દરેકના કર્મના બંધન નિરાળા છે અને શાતા-અશાતાનો ભોગવટો પણ દરેકને જુદો
જુદો છે. દરેકને સંયોગો જુદાં જુદાં મળે છે પણ સંયોગને કોઈ ભોગવી શકતું નથી. સૌ
પોતાના રાગને ભોગવે છે.
ચાર સગા ભાઈ હોય તેમાં એક ધનવાન થઈને સાંસારિક સુખ ભોગવે, એક
નિર્ધન થઈને કષ્ટથી જીવનનિર્વાહ કરે, એક વિદ્વાન થઈને દેશમાન્ય થઈ જાય, અને
એક મૂર્ખ રહીને નિરાદર પામે. એ જ રીતે શ્રેણિક અને અભયકુમારને ખૂબ પ્રેમ હતો.
એક થાળીમાં સાથે જમતાં હતાં પણ મરીને શ્રેણિક નરકમાં ગયા અને અભયકુમાર
સ્વર્ગમાં ગયા. જેના જેવા ભાવ થાય છે તેવું તેને ફળ મળે છે. એક સાથે જમનારા
અને એક સાથે રહેનારા હોય છતાં, એક નરકે જાય છે, એક મોક્ષમાં જાય છે. આ
બધી ભાવોની વિવિધતા છે.
તારા પરિણામ તું સુધાર અને નિજ આત્મા આનંદકંદ છે તેમાં દ્રષ્ટિ કરીને
ધ્યાન-અનુભવ કર! તે જ મોક્ષનો ઉપાય છે. બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
સંસારમાં દરેક જીવ પોતાના સ્વાર્થના સગા છે. સ્વાર્થ ન સધાય તો સ્ત્રી, પુત્ર, મિત્ર
પણ ત્યાગ કરી દે છે. માટે કોઈ ઉપર મોહ કર્યા વગર પોતાનું હિત કરી લેવા જેવું છે.
નૌકામાં એક સાથે બેઠેલા માણસો હોય, પણ જાય છે બધાં જુદાં જુદાં નગરમાં
તેમ એક કુટુંબમાં અનેક જીવો ભેગા થયા હોય પણ મરીને કોઈ સ્વર્ગમાં, કોઈ નરક
તિર્યંચમાં, કોઈ મનુષ્યમાં અને કોઈ મોક્ષમાં જાય છે. કોઈનો કોઈ સાથી-સથવારો
નથી. માટે કોઈ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કરવા જેવો છે.
દયા, દાન, પૂજાદિના ભાવ પુણ્યભાવ છે અને હિંસા, જૂઠું, ચોરી આદિના ભાવ
પાપભાવ છે. બન્ને ભાવથી પોતાના આત્માને ન્યારો જાણી, પોતાના સ્વભાવની શ્રદ્ધા
જ્ઞાન અને ધ્યાન કરવું તે જ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે અને તે જ મોક્ષનું કારણ છે.
રત્નત્રયની આરાધનાપૂર્વક મોક્ષ પણ જીવ એકલો પામે છે.
દરેક જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. દરેક જીવ પરમ શુદ્ધ છે.
શુદ્ધસ્વભાવને આઠ કર્મ, શરીર, વિભાવભાવ કે અન્ય કોઈનો સંયોગ નથી, અસંયોગી
તત્ત્વ છે. પુણ્ય-પાપ ભાવથી રહિત, નિરંજન નિજ પરમાત્માની શ્રદ્ધા-જ્ઞાન-રમણતા
કરવી તે મોક્ષનો માર્ગ છે. એ મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી
થાય છે, તેમાં કોઈ મદદગાર નથી.
હવે કહે છે કે ભાઈ! તું નિર્મોહી થઈ આત્માનું ધ્યાન કર!
एक्कुलउ जइ जाइसिहि तो परभाव चएहि ।
अप्पा सायहि णाणमउ लहु सिव–सुक्ख लहेहि ।। ७०।।