પરમાત્મા] [૧૩૭
હે આત્મા! તું એકલો જ છો માટે રાગ-દ્વેષ-મોહાદિ સર્વ પરભાવોનો ત્યાગ
કરીને, નિર્મળાનંદ, જ્ઞાનમય, સદા શુદ્ધ પવિત્ર નિજ આત્માનું ધ્યાન કર! તો તને શીઘ્ર
મુક્તિસુખ મળશે.
આત્મા જાણગ...જાણગ...જાણગસ્વભાવી છે. ‘જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું અને
જ્યાં જ્યાં જ્ઞાન નહિ ત્યાં ત્યાં હું નહિ.’ ભક્તિમાં, રાગાદિના ભાવમાં જ્ઞાન નથી માટે
તે હું નહિ. હું ચૈતન્યમાત્ર છું એમ જાણીને રાગાદિનો ત્યાગ કરી નિજ જ્ઞાનમય
આત્મામાં એકાગ્ર થવું તેનું નામ યોગસાર છે.
હે ભવ્યો! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં આવી
જાય. દેહ છૂટયાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન બેસાય.
માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી શકે છે. દેવ,
નારક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે. માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી.
રાગાદિ પરભાવ મારી જ્ઞાનભૂમિકાથી બહાર છે. બહારમાં-સંયોગોમાં તો
ક્યાંય આત્માને એકાગ્ર થવાનું-ઠરવાનું સ્થાન નથી. પણ પોતાના રાગ-દ્વેષ-
મોહભાવમાં પણ ક્યાંય ઠરવાનું સ્થાન નથી. માત્ર જ્ઞાનસ્વરૂપી પોતાના આત્મામાં જ
પોતાને ઠરવાનું સ્થાન છે. માટે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ ઠરવાનું સ્થાન
જાણી, સ્વભાવનો પરમ રુચિવાન થઈને તેમાં જ મગ્ન થવાનો, આત્મિક આનંદ પ્રાપ્ત
કરવાનો ઉદ્યમ કર! અખંડ જ્ઞાનમય વસ્તુ તે મારું દ્રવ્ય, અસંખ્યપ્રદેશ મારું ક્ષેત્ર, એક
સમયની પર્યાય તે મારો કાળ અને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ મારો શુદ્ધભાવ છે તે
ખરેખર મારું સર્વસ્વ છે. જે ભાવમાં પરનો આશ્રય છે તે ભાવ મારા નથી. હું તો
એકાકાર, અખંડ શુદ્ધ, સ્વસંવેદનગમ્ય એક અવિનાશી પદાર્થ છું. તેના શ્રદ્ધા-જ્ઞાન-
ચારિત્ર તે મારો સ્વભાવ ભાવ છે તે એક જ મોક્ષમાર્ગ છે.
હવે યોગીન્દ્રદેવ ખૂલ્લું કરે છે કે પુણ્ય પણ પાપ છે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेई ।
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह (? ) को वि हवेइ ।। ७१।।
પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧.
હિંસા, જૂઠું, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ આદિ ભાવને તો આખું જગત પાપ કહે છે
પણ દયા-દાન, અહિંસા, સત્ય આદિ પુણ્યભાવને પણ પાપ કહેનારા તો વિરલા જ્ઞાની
જ છે. પુણ્યતત્ત્વ પણ પાપ જ છે એમ અહીં સિદ્ધ કરે છે.
જ્ઞાનીને પણ અશુભથી બચવા શુભભાવ આવે છે પણ પોતાનો સ્વભાવ
અમૃતસ્વરૂપ છે તેમાંથી પતિત થઈને પુણ્યભાવમાં આવવું તે નિશ્ચયથી પાપ છે. પુણ્યનું
ફળ ઝેર છે. પુણ્યના ફળમાં સંસાર ફળશે. માટે જ્ઞાની પુણ્યને પણ પાપ કહે છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને જે કાંઈ શુભ-અશુભ ભાવ આવે છે તે બધાં
અપવિત્ર ભાવ છે,