પરમાત્મા] [૧૪પ
આ આત્માના સ્વભાવમાં અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત શક્તિ ભરી
છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે કોને ન જાણે? સ્વભાવને મર્યાદા શેની? એ તો
બધાંને જાણે. સ્વભાવને મર્યાદા ન હોય.
આત્માના દરેક ગુણો અમાપ છે. અમાપ આનંદ, અમાપ શાંતિ, બેહદ જ્ઞાન,
બેહદ દર્શન આદિ બધી અમાપ શક્તિઓનો રસકંદ તે આત્મા. આવો આ આત્મા શરીર
પ્રમાણ હોવા છતાં ત્રણલોકમાં મુખ્ય-પ્રધાનપદે છે.
જે પરમાત્મા થઈ ગયા તે પોતાની સ્વતંત્ર શક્તિથી થયા છે અને જે પરમાત્મા
થશે તે પણ પોતાની સ્વતંત્ર શક્તિથી થશે. કેમ કે દરેક આત્માની શક્તિ સ્વતંત્ર છે.
જેમ લાખો-કરોડો લીંડીપીપરની ગુણો ભરી હોય, તેમાંની દરેકે-દરેક પીપર ૬૪ પહોરી
પૂર્ણ શક્તિથી ભરી છે તેમ અનંતા આત્માઓ પોત-પોતાની સ્વતંત્ર શક્તિથી
બિરાજમાન છે.
આવા આત્માને હે જીવ! તું શરીરથી ન જો! કર્મથી ન જો! પર્યાયના ભેદથી ન
જો! પણ એકરૂપ સ્વભાવથી જો! સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી જ શ્રદ્ધા-જ્ઞાનમાં બધી
શક્તિઓની ઝલક પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે. વર્તમાન પર્યાયમાં થતાં દેખાય
છે તે સ્વભાવ નથી. તેનો નાશ થતાં સ્વભાવ પ્રગટ થશે. અલ્પજ્ઞતા દૂર થતાં પૂર્ણતા
પ્રગટ થશે. રાગમાંથી કે અલ્પજ્ઞતામાંથી પૂર્ણતા આવતી નથી. પૂર્ણતા સ્વભાવમાંથી
પ્રગટ થાય છે.
જેમ પીપરને તેની શક્તિના સત્ત્વથી જોઈએ તો અલ્પ તીખાશ કાળાપણું
તેનામાં નથી. તે તો પૂર્ણ તીખાશ અને લીલા રંગથી ભરેલું તત્ત્વ છે. તેમ ભગવાન
આત્માને તેના સ્વભાવથી જોઈએ તો કર્મ કે તેના સંગે થયેલો વિકાર કે કર્મના ઉદયની
વધઘટથી થયેલી હીનાધિકતા એ કાંઈ તેના સ્વભાવમાં નથી. સિદ્ધાંત સમજાવવા માટે
આ બધાં દ્રષ્ટાંત અપાય છે. તેમાંથી સિદ્ધાંત તારવવાનો છે.
જગતના જીવો ભણી-ભણીને ભણ્યા, પણ સાચું ભણતર ભણ્યા નહિ. શાસ્ત્ર
ભણીને પણ તેનો સાર સમજે તો શાસ્ત્ર ભણતર કામનું છે. પોતાનું સ્વરૂપ શું છે? કેવું
છે? તેનો જીવે કદી વિચાર કર્યો નથી.
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પ્રભુતા, શાંતિ આદિ પૂર્ણ સ્વભાવની
દ્રષ્ટિ કરતા જે નવી પર્યાય વર્તમાનમાં પ્રગટ થાય તેની પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિમાં
અપેક્ષા રહેતી નથી. અનાદિ અનંત સત્...સત્...સત્ છે....છે....છે...., જેની આદિ નહિ,
ઉત્પત્તિ નહિ અને નાશ પણ નહિ એવું આત્મતત્ત્વ છે. તેની દરેક શક્તિ પણ ત્રિકાળ
સત્ છે. ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરનારને શરીર તો નહિ, વિકાર તો નહિ, અધૂરી
નિર્મળ પર્યાય તો નહિ પણ પૂર્ણ નિર્મળ પર્યાય જેટલો પણ આત્મા દેખાતો નથી.
પૂર્ણ...પૂર્ણ...નિર્મળ એકરૂપ વસ્તુ જ દ્રષ્ટિમાં દેખાય ત્યારે જ પર્યાયમાં સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. માટે આવી દ્રષ્ટિ કરવી તે જ એક મુક્તિનો ઉપાય છે,
બીજો કોઈ ઉપાય નથી.