૧૪૪] [હું
[પ્રવચન નં. ૨૭]
સર્વ સિદ્ધાંતોનો સારઃ-
હું જ પરમાત્મા છું – એમ નક્કી કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૭-૬૬]
આ યોગસાર શાસ્ત્ર છે. દેહ, મન, વાણી આદિ જડ પદાર્થ અને પુણ્ય-પાપ
આદિ વિકારીભાવથી ભિન્ન શુદ્ધ સચ્ચિદાનંદ નિજ આત્મામાં જોડાણ કરવું તેનું નામ
યોગસાર છે.
અહીં ૭૪ મી ગાથામાં દ્રષ્ટાંત આપીને યોગીન્દ્ર મુનિરાજ સમજાવે છે કેઃ-
जं वडमज्सहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु ।
तं देहहं देउ वि मुणहि जो तइलोय–पहाणु ।। ७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪.
જેમ બીજમાં વડ છે તેમ આ આત્મસ્વભાવમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે
ભર્યું છે. જેમ લીંડીપીપર કદમાં નાની અને રંગમાં કાળી હોય છતાં તેની અંદરમાં ૬૪
પહોરી એટલે પૂરેપૂરી તીખાશ ભરી છે તો તેને ઘસતાં બહારમાં તીખાશ પ્રગટ થાય છે.
અંદરમાં તીખાશ હતી તો બહાર આવી. માટે પ્રાપ્તની પ્રાપ્તિ છે. તેમ દરેક આત્મામાં
જ્ઞાન, આનંદ આદિ અનંતગુણોની પૂર્ણ શક્તિ અંતરમાં પડી છે, તેમાંથી તે પ્રગટ થાય
છે. આ ભગવાન આત્માના અંતરસત્ત્વમાં-ધ્રુવશક્તિમાં પૂર્ણ જ્ઞાન-આનંદ વ્યાપક છે,
પણ આ જીવને જગતની ચીજોની તો મહત્તા આવે છે પણ પોતાના સ્વભાવની મહત્તા
આવતી નથી.
વડના બીજમાં વડ છે તો તેમાંથી વડ થાય છે. બીજમાં વડ ન હોય તો વડ
ક્યાંથી થાય? કાંકરા વાવીને એમાં પાણી તો શું દૂધ પાય તોપણ તેમાંથી વડ ન થાય. કેમ
કે કાંકરામાં વડ થવાની તાકાત નથી. અરે! લીંબોળીમાં પણ વડ થવાની તાકાત નથી.
વડના બીજમાં જ વડ થવાની તાકાત છે. આ બધું લોજિકથી-ન્યાયથી સમજવું જોઈએ.
કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે કેમ કે પ્રાપ્તની પ્રાપ્તિ થાય. દરેક
આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન, આનંદ આદિની તાકાત પ્રાપ્ત છે, તેમાંથી પર્યાયમાં તેની
પ્રાપ્તિ થતાં પરમાત્મા થવાય છે.
લોટાના આકાર જેવો જ અંદરમાં રહેલાં પાણીનો આકાર છે પણ એ પાણીનો
આકાર લોટાથી ભિન્ન છે. તેમ આ ચિદાનંદ ભગવાન આત્મા કે જે શરીરની અંદર
રહેલો છે તેનો આકાર શરીર જેવો છે પણ તે શરીરથી ભિન્ન છે.