Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 147 of 238
PDF/HTML Page 158 of 249

 

background image
પરમાત્મા] [૧૪૭
જેમ બરફની શીતળ શિલામાં ખૂણે-ખાંચરે, ઉપર-નીચે, મધ્યમાં ક્યાંય ગરમીનો
અંશ પણ ન હોય તેમ આ અવિકારી ચૈતન્ય પિંડમાં ક્યાંય કષાય, રાગ-દ્વેષ નથી
એવી વીતરાગ શાંતરસની શિલા આત્મા છે. ભગવાન આત્મા દેહથી રહિત,
શુભાશુભભાવથી રહિત અરૂપી ચિદ્ઘન વીતરાગી ચૈતન્યની શિલા છે.
ભગવાન કહે છે અરે પ્રભુ! તારા આત્માની જાત અને અમારા આત્માની
જાતમાં કાંઇ ફેર નથી. તેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી એટલો જ ફેર છે માટે પરમાત્મા
જેવા જ તારા આત્માની નિભ્રાંત-ભ્રાંતિ રહિત નિઃશંકપણે ભાવના કર! શક્તિએ બધા
આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્યસત્તાનો સ્વીકાર કર! જાણવું... જાણવું...જાણવું...આ
જાણવાની જ્ઞાનશક્તિની બેહદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું, જ્ઞાનની સાથે
રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે.
આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરતાં-સત્યસ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં
જે સત્યદશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજધર્મ છે.
જ્ઞાન-આનંદસ્વરૂપ આત્માનો સ્વીકાર ન કરવો અને રાગ-દ્વેષનો સ્વીકાર કરવો
તે જ ખરેખર હિંસા છે, કેમ કે તેમાં પોતાના સ્વરૂપનો અનાદર થાય છે. પીપરમાં
રહેલી ૬૪ પહોરી તીખાશની અને લીલારંગની જે ના પાડે છે તે પીપરના સ્વભાવનો
ઘાત કરે છે કેમ કે તેમાં અસ્તિની નાસ્તિ થાય છે. તેમ સત્ સ્વરૂપ પોતાના ભગવાન
આત્માનો અસ્વીકાર કરતાં અસ્તિસ્વરૂપની નાસ્તિ થાય છે તે જ હિંસા છે.
આ શાસ્ત્રમાં તો એકલા તત્ત્વના સિદ્ધાંતો જ ભર્યા છે. ભ્રાંતિ છોડીને
નિર્ભ્રાંતપણે એમ ભાવનાં કરતાં કર કે ‘જે જિનેન્દ્ર છે તે જ હું છું.’ અલ્પજ્ઞ અને
રાગ-દ્વેષની અવસ્થામાં હોવા છતાં હું પૂર્ણ, અખંડ વીતરાગ છું, ભગવાન જ છું એવી
નિર્ભ્રાંત શ્રદ્ધા કરવી તેમાં ઘણો ઉગ્ર પુરુષાર્થ જોઈએ કેટલું જોર હોય ત્યારે આવો
નિર્ણય થઈ શકે!
ભાઈ! તારું જોડાણ અત્યારે પરદ્રવ્ય અને પરભાવમાં થઈ રહ્યું છે તે તને દુઃખનું
કારણ છે. તેને છોડીને સ્વદ્રવ્યમાં જોડાણ કર તો તને સુખ થશે. ભગવાન આત્માના
પૂરણ સ્વભાવમાં જે જીવ દ્રષ્ટિ-જ્ઞાનને જોડે છે તે જ યોગી છે. યોગીનો એ વેપાર તે જ
યોગ અને યોગ તે જ ધર્મ છે. આવું યોગીપણું પ્રગટ કર્યા વિના ગમે તેટલા વ્રત-તપ
કરે તોપણ આત્માનું કલ્યાણ થાય તેમ નથી. સર્વજ્ઞપિતાએ વારસામાં આપેલી
જિનવાણીના પાના ખોલીને જીવ ભાવથી વાંચે તો તેને સાચું સ્વરૂપ સમજાય છે.
પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ અને એવા પોતાના ત્રિકાળ પૂર્ણાનંદ
સ્વભાવની દ્રષ્ટિ-જ્ઞાન કરીને તેમાં એકાકાર થવું તે એક જ મોક્ષનો ઉપાય છે. આત્માનું
ત્રિકાળ પૂર્ણસ્વરૂપ જેવું છે તેવું જ શ્રદ્ધામાં સ્વીકારવું, જ્ઞાનમાં લેવું અને તેમાં સ્થિર
થવું તે જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષનો ઉપાય છે. જેવું જિનેન્દ્રનું સ્વરૂપ છે તેવું જ આ
આત્માનું મૂળ સ્વરૂપ છે. માત્ર બન્નેની સત્તા જ જુદી છે.