Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 150 of 238
PDF/HTML Page 161 of 249

 

background image
૧પ૦] [હું
આત્મા અનંતગુણવાળો છે તો તેની પર્યાય પણ અનંત છે, એમ એકરૂપ
આત્માને ગુણ અને પર્યાય એમ બેરૂપે વિચારવો તે વ્યવહાર છે. એકડે એક અને બગડે
બે. બેપણાના વિચારમાં વિકલ્પ ઊભો થયો-વ્યવહાર ઊભો થયો પણ એકસ્વરૂપમાં ઠરી
ન શકે ત્યારે અનેકસ્વરૂપે પોતાના આત્માને ભાવવો એમ અહીં કહેવું છે પણ ભેદ
પડયો તે યોગસાર નથી.
પ્રભુ! આ તો એકલાં માખણની વાત છે. આત્માનું વિકલ્પપૂર્વક ઘોલન કરતાં જે
વ્યવહાર ઊભો થાય છે તેની અહીં વાત છે.
ભગવાન આત્મા દર્શન-જ્ઞાનસ્વરૂપ છે એ રીતે પણ બે-રૂપે આત્માનો વિચાર
થઈ શકે છે. ધર્મી જીવ આખા લોકમાં દરેકને જાણે દેખે પણ ક્યાંય મારાપણું કરતો
નથી. સ્વ-પરને જાણવાના સ્વભાવને હું ધરનાર છું એવા વિકલ્પ ધર્મીને આવે છે, એ
વ્યવહાર છે. આ વીતરાગનો વ્યવહાર છે. છતાં તે પણ બંધનું કારણ છે માટે તેવા
વિચારમાં ધર્મીને હોંશ નથી આવતી. ખેદ થાય છે કે આવો વ્યવહાર વચ્ચે આવે છે તે
મારા પુરુષાર્થની નબળાઈ છે.
ભાઈ! પરમેશ્વર પંથ તો કોઈ અલૌકિક છે. દરેક આત્મા પોતે પરમેશ્વર છે પરમ
ઈશ્વરતા-મોટપનો પુંજ છે, તેમાં પણ એક ગુણે ઈશ્વર નથી. દરેક ગુણે કરીને આત્મા
અનંતી ઈશ્વરશક્તિનો પિંડ છે, એક એક ગુણ તો ઈશ્વર ખરા પણ તેની એકે એક
પર્યાય પણ ઈશ્વરવાન છે એવા અનંત ગુણ-પર્યાયોની ઈશ્વરતાનો પુંજ આત્મા એક છે.
આત્મા પોતે પરમેશ્વર અને ત્રિલોકનાથ પરમેશ્વર સર્વજ્ઞદેવે બતાવેલો આ પંથ!
તે તો અલૌકિક જ હોય ને! લૌકિકની સાથે તેનો મેળ ન ખાય. દુનિયાથી જુદી
જાતનો-અતડો આ પરમેશ્વરપંથ છે. અતડો એટલે તેને બીજા કોઈ સાથે મેળ ખાય
નહિ તેવો આ માર્ગ છે.
ધર્મીજીવ ‘ઉત્પાદ-વ્યય-ધ્રુવ’ એમ ત્રણ પ્રકારે પણ આત્માનો વિચાર કરે છે.
જેને આત્માની દ્રષ્ટિ અને અનુભવ થઈ ગયો છે તે પણ આવા વિચાર કરે છે અને
જેને દ્રષ્ટિ અને અનુભવ પ્રગટ કરવા છે તે પણ અનુભવ પહેલાં આ જાતનાં જ
વિચાર કરે છે આત્મા ધ્રુવરૂપે કાયમ ટકે છે, ઉત્પાદરૂપે નવી પર્યાય થાય છે અને
વ્યયરૂપે તેનો અનુભવ થાય છે. એવો ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ આત્મા છે. ભગવાન
આત્માને ત્રણરૂપે ભાવવો એ પણ વ્યવહાર છે. સમયસારની આઠમી ગાથા અનુસાર
‘વ્યવહાર’ પણ ઉપદેશ આપનાર કે લેનાર કોઈને પણ અનુસરવાયોગ્ય નથી. ઉત્પાદ
અને વ્યયરૂપે નિરંતર પલટો ખાતાં છતાં વસ્તુ ધ્રુવ છે તે અનુસરવાયોગ્ય છે.
ભગવાનની ભક્તિનો વ્યવહાર તો સ્થૂળ છે, બહાર રહી જાય છે. અહીં તો એક
આત્માને ત્રણરૂપે વિચારવો તે પણ વ્યવહાર છે, વિકલ્પ છે, અનુસરવાયોગ્ય નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ આત્મા છે એમ પણ ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ
વિચારી શકાય છે અને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને પરમાનંદની ઉગ્ર
વીતરાગ દશા-સમ્યક્ તપ આ ચાર આરાધના સ્વરૂપે પણ આત્માનો વિચાર ધર્મી કરે છે.
પ્રભુ! તારા ઘરમાં ઘર્યા વિના તારો છુટકો નથી. આવા ભેદ વિચારવા એ પણ
બહાર નીકળવું છે.