પરમાત્મા] [૧૬૭
[પ્રવચન નં. ૩૨]
પરમાત્મદશાની જન્મભૂમિઃ ભગવાન આત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૨-૭-૬૬]
આ યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦-૧૪૦૦ વર્ષ
પહેલાં થઈ ગયા. તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો
રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ
કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસાર છે.
દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર...સાર જ આપ્યું છે. સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે,
તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર
કહે છે.
તેમાં આ શ્રી યોગસાર શાસ્ત્રની ૮૪ ગાથા ચાલે છે.
दंसणु ज पिच्छियइ बुह अप्पा विमल महंतु ।
पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।। ८४।।
દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન,
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ. ૮૪.
આ આત્મા મળ-દોષથી રહિત વિમળ અને મહાન છે. એક સમયમાં અનંતી
પરમાત્મદશા જેના ગર્ભમાં પડી છે એવો ધ્રુવ-શાશ્વત ભગવાન પોતે જ છે. તેને દેખવો
એટલે કે તેની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. કેવી રીતે દેખવો? તો કહે છે કે
પર સન્મુખતા છોડી, ભેદના વિકલ્પ છોડી અને સ્વસન્મુખતા કરીને આત્માને દેખવો-
શ્રદ્ધવો તેનું નામ ‘દર્શન’ છે, અને આ પોતાના જ આત્માને જ્ઞેય બનાવીને તેનું યથાર્થ
જ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્જ્ઞાન છે.
ભગવાન આત્મા અનંત ગુણસ્વરૂપ અને અસંખ્યપ્રદેશી છે પણ તેમાં ગુણના કે
પ્રદેશના ભેદ નથી. એકરૂપ અખંડ છે તેથી તેને જોનારની દ્રષ્ટિ પણ એકરૂપ હોય ત્યારે
જ આત્માનું દર્શન-શ્રદ્ધા થાય છે.
આત્મા મહાન છે. તેના એક એક ગુણ પણ મહાન છે. અનંત શક્તિનો ધારક
એવો અનંત શક્તિવાન-અનંત ગુણોનો એકરૂપ પિંડ આત્મા મહાન જ હોય ને!
ભગવાને દરેક આત્માને આવા અસંખ્યપ્રદેશી અનંત ગુણસ્વરૂપ મહાન દેખ્યો છે એવા
પોતાના આત્માની પોતે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા કરવી તેનું નામ ભગવાન
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ફરમાવે છે.