Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 175 of 238
PDF/HTML Page 186 of 249

 

background image
પરમાત્મા] [૧૭પ
પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માની આરાધના કરવી, સેવના કરવી, સ્વભાવ
સન્મુખની લીનતા કરવી તે સાચો વિનય છે અને તે જ ગુરુની સાચી વંદના છે. બહારથી
વંદન આદિના ભાવ આવે-હોય, નિશ્ચયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી, ભક્તિ, સ્તુતિ, વંદન, પૂજા આદિના ભાવો છે
પણ તેની મર્યાદા પુણ્યબંધની છે. વસ્તુના સ્વરૂપમાં તે ભાવો સમાઈ શક્તા નથી.
વ્યવહાર છે તો નિશ્ચય છે એમ નથી રાગની મંદતા છે તો અરાગ પરિણામ
થાય છે એમ નથી. પણ જ્યાં સુધી સ્વભાવનો પૂર્ણ આશ્રય લીધો નથી ત્યાં સુધી
એટલો પરાશ્રિત વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, એમ ભગવાન કહે છે. તે વ્યવહાર
તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર અને નિશ્ચય બન્નેની દિશા જુદી, બન્નેનું
ફળ જુદું, અને બન્નેનો ભાવ પણ જુદો-જુદો છે.
ભાઈ! તું શુદ્ધાત્મા છો. તને ક્યાંય ઠીક ન પડે-ન ગોઠે તો અંદરમાં ગોઠે તેવું
છે. બેને કહ્યું હતું એકવાર કે તને ક્યાંય ન ગોઠે તો આત્મામાં ગોઠે તેવું છે. ક્યાંય
તને ઠીક ન પડે તો અંદર જા. તારી હાકલથી કોઈ સાથે ન આવે તો તું એકલો જા!
તારે કોઈનું શું કામ છે? અહીં ૮૬ મી ગાથામાં પણ એ જ વાત આવશે.
અહા! યોગસાર તો કોઈ અલૌકિક શાસ્ત્ર છે. દિગંબર સંતોની વાત શું કહેવી?
એક-એક શ્લોકમાં આખો ૧૪ પૂર્વનો સાર ભરી દીધો છે. દિગંબર સંતો ક્ષણે-ક્ષણે
સાક્ષાત્ પરમાત્માને સ્પર્શે છે. એક દિવસમાં હજારોવાર આત્માનો સ્પર્શ કરે છે એવા
સંતે રચેલાં આ શ્લોકો છે.
ભગવાન આત્મા નિજ-સ્વરૂપમાં સાવધાન...સાવધાન...સાવધાન...થાય છે ત્યાં
મન-વચન-કાયા તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ ત્રણગુપ્તિ છે, અને અતીન્દ્રિય
સ્વરૂપમાં એકાકાર થતાં પાંચ ઈન્દ્રિય તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ સંયમ છે,
અને તે જ ઉત્તમ ક્ષમા આદિ દશધર્મ છે.
સર્વ વિશુદ્ધ ગુણોનું નિવાસસ્થાન આત્મા છે. જેણે આત્માનું આરાધન કર્યું તેણે
સર્વ આત્મિકગુણોનું આરાધન કરી લીધું. આત્માના ધ્યાનથી આત્માના ગુણો વિકસીત
થાય છે એટલે કે પર્યાયમાં પ્રગટ થાય છે, સાથે અવધિ, મનઃપર્યયજ્ઞાનની ઋદ્ધિ પણ
પ્રગટ થાય છે અને કેવળજ્ઞાનનો લાભ થાય છે. આમ નિર્વાણનો પરમ ઉપાય એક
આત્માનું ધ્યાન છે.
તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે જે વીતરાગી આત્મા, આત્મામાં આત્મા દ્વારા
આત્માને જાણે-દેખે છે તે સ્વયં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે. સ્વયં
સમ્યગ્દર્શનાદિ નિશ્ચય મોક્ષમાર્ગ છે એમ જિનેન્દ્રદેવ કહે છે.
દિગંબર સંતો જગ્યાએ-જગ્યાએ જિનેન્દ્ર ભગવાનને મોઢાગળ (મુખ્ય) રાખે છે.
ભાઈ! પરમાત્મા આમ કહે છે હો! તું ના ન પાડીશ, ભાઈ! ના ન પાડીશ. અહા!
સંતોની કરુણાનો પાર નથી.