૧૭૪] [હું
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ તો છે પણ તેમાં એકાગ્રતા કરવાથી એ અનંત
ગુણોની અંશે નિર્મળ પર્યાય પણ પ્રગટ થઈ જાય છે.
સત્-સાહેબ ભગવાન આત્માની દ્રષ્ટિ કરતાં પરમ સત્યવ્રત પણ પ્રગટ થાય છે
અને વળી, અનંત ગુણરૂપ ભગવાન આત્માનો અનુભવ થતાં રાગ પ્રગટ ન થયો તે
પરમ અચૌર્યવ્રત છે. પોતાના સ્વભાવની પક્કડ કરી પરની પક્કડ છોડતાં-રાગનો એક
કણ પણ ગ્રહણ ન કરતાં સાચું અચૌર્યવ્રત પ્રગટ થાય છે.
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ,
પ્રગટ અનુભવ આપનો, નિર્મળ કરો સપ્રેમ,
ચેતન પ્રભુ! ચૈતન્ય સંપદા રે તારા ધામમાં.
ચૈતન્યસંપદા નથી વૈકુંઠમાં કે નથી સિદ્ધશિલામાં. ચૈતન્યસંપદા તો પ્રભુ! તારા
પોતાના સ્વભાવ-ધામમાં જ ભરી છે.
ભગવાન આત્મા પરપદાર્થમાં એકાકાર ન થતાં પરમ બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં
વિહાર કરે છે-બ્રહ્માનંદ ભગવાનમાં એકાકાર થાય છે ત્યાં બ્રહ્મવ્રત પ્રગટ થાય છે,
નિશ્ચય બ્રહ્મચર્યવ્રત પ્રગટ થાય છે.
અનંત ગુણનાં પિંડસ્વરૂપ આત્મામાં લીન થતાં સર્વ વિભાવ અને પરપદાર્થની
મૂર્છા દૂર થઈ તે જ અપરિગ્રહવ્રત છે. અસંગભાવમાં રમણ કરવાથી પરિગ્રહ-ત્યાગવ્રત
પ્રગટ થાય છે.
આત્મા આત્મામાં સત્યભાવથી ઠરે છે તેનું નામ નિશ્ચય સામાયિક છે.
ભાઈ! તારા ક્ષેત્રમાં ગુણની ક્યાં કમી છે કે તારે બીજા ક્ષેત્રમાં ગુણ શોધવા
જવા પડે? ભગવાન આત્મા અનંત ગુણનું સંગ્રહાલય છે. અરે! કેવળી ભગવાન પણ
જો એક એક સમયમાં અસંખ્ય ગુણનું વર્ણન કરે તોપણ તેમના કરોડ પૂર્વની સ્થિતિમાં
આત્માના અનંત ગુણોનું વર્ણન ન થઈ શકે.
આત્માની દ્રષ્ટિ અને અનુભવ કરતાં ગયા કાળના કર્મોથી નિવૃત્તિ થાય છે અને
કર્મ સ્વયં નિર્જરાને પ્રાપ્ત થાય છે. તેનું નામ પ્રતિક્રમણ છે. અને ભવિષ્યમાં થનારા
રાગાદિ ભાવોનો ત્યાગ થાય છે એ ભાવોથી નિવૃત્ત પરિણામ થવાં તે નિશ્ચય
પ્રત્યાખ્યાન છે. આમ પંચમહાવ્રત, ત્રણ ગુપ્તિ આદિ ભાવો અનુભવમાં સમાય જાય છે.
કેમ કે ભગવાન આત્માના અંતરસ્વરૂપનો આશ્રય કરતાં જે દશા પ્રગટ થાય તેમાં શું
ખામી રહે? બધાં જ ગુણોની પર્યાયનું પરિણમન થઈ જાય છે.
ચિદાનંદ નિજાત્મસ્વભાવની દ્રષ્ટિ અને અનુભવ કરવો તે જ ભગવાનની સ્તુતિ
છે. સમયસારમાં પણ કુંદકુંદ આચાર્યદેવે શિષ્યને કેવળીની સ્તુતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું
છે કે શરીર, વાણી, મન, વિકલ્પ, રાગાદિથી રહિત નિજ પરમાત્મસ્વરૂપમાં લીનતા
કરનાર કેવળીની સ્તુતિ કરે છે-એમ અમે નહિ પણ સર્વજ્ઞભગવાન કહે છે. અહીં પણ
કહ્યું છેઃ ‘કેવળી બોલે એમ.’