Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 173 of 238
PDF/HTML Page 184 of 249

 

background image
પરમાત્મા] [૧૭૩
તેને દ્રષ્ટિમાં લેવાથી, જ્ઞાનનું જ્ઞેય બનાવવાથી, ચારિત્રમાં તેનો આશ્રય લેવાથી અનંત
ગુણોની પર્યાય એક સમયમાં પ્રગટ થાય છે.
અનંત ગુણસમુદાય કહો કે ભાવસમુદાય કહો, એવા પોતાના આત્માનું અંતરમાં
પોસાણ થવું જોઈએ. એકસ્વરૂપ ભગવાન આત્મામાં અનંત ગુણસ્વરૂપે ગુણો રહેલાં છે
તે એકસ્વરૂપને અંતર્મુખ દ્રષ્ટિ-જ્ઞાનમાં પકડતાં અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ જાય
છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા આદિ અનંત ગુણની પર્યાય
એકસાથે પ્રગટ થઈ જાય છે. તેથી જ કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમકિત.’ આત્માનો
અનુભવ કરતાં અનંત ગુણની પર્યાયની પ્રગટતારૂપ અનંતો લાભ થાય છે.
કેવળીભગવાન કહે છે કે પ્રભુ! તારામાં અનંત ગુણો છે તેને તું પરનો અને
રાગનો પ્રેમ હટાવી નિર્મળ પ્રેમથી પ્રતીતમાં લે, અનુભવમાં લે તો તને પ્રતીતમાં અનંત
ગુણસ્વરૂપ એક આત્માની શ્રદ્ધા થશે અને અનંત ગુણની અંશે નિર્મળ પર્યાયોનો
અનુભવ થશે. પણ અનાદિથી જીવને પરદ્રવ્ય અને રાગાદિની મહિમા આડે અનંત
ગુણના એકપિંડરૂપ ભગવાન આત્માનો અનાદર થઈ જાય છે-અશાતના થાય છે તેની
ખબર નથી.
એક એક ગુણને ગ્રહણ કરતાં આખો આત્મા ગ્રહણ થતો નથી પણ અખંડ-
અભેદ આત્માને ગ્રહણ કરતાં તેમાં અનંત ગુણો ગ્રહણ થઈ જાય છે.
આ કોઈ ભાષામાં આવી શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી, આ તો
અનંતાનંત...અનંતાનંત ગુણોનું એકસ્વરૂપ સાક્ષાત્ પરમાત્મા હું જ છું એમ મહિમા
લાવીને અંતરમાં ઘૂસી જાય તેને વસ્તુનો અનુભવ થાય છે.
સોનું જેમ ગેરુથી શોભે છે તેમ ભગવાન આત્મા પોતાની ઉગ્ર દ્રષ્ટિથી જ્યાં
આત્માને પકડે છે ત્યાં અતીન્દ્રિય આનંદના પ્રતપનથી શોભે છે અને બહારમાં ઈચ્છાનો
નિરોધ થાય છે, તેનું નામ તપ છે અને તે સમયે રાગ-દ્વેષનો અભાવ થવાથી નિશ્ચય
અહિંસાવ્રત પણ થઈ જાય છે. દયાના પરિણામ એ ખરેખર અહિંસાવ્રત નથી પણ પરમાર્થ
સ્વભાવના લક્ષે રાગરહિત વીતરાગ પરિણામ થાય છે તે જ સાચું અહિંસાવ્રત છે.
ભગવાન આત્મા જ્યારે પરના લક્ષે વિકલ્પમાં જાય છે ત્યારે નિર્વિકલ્પ
સ્વભાવની હિંસા થાય છે તેથી પરની દયાના ભાવમાં પણ ખરેખર પોતાના સ્વભાવની
હિંસા થાય છે પણ લોકોની માન્યતા જ એવી છે કે ‘દયા ધરમકો મૂલ હૈ, પાપ મૂલ
અભિમાન! તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.’
અહીં તો કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આ આત્મા તેની અંતરમાં દ્રષ્ટિ કરતાં
એકાકાર થઈને જે અનુભવ થાય છે તે જ સત્ય દયા છે. તે પોતાની દયા છે. પરની દયા
તો જીવ પાળી શકતો જ નથી. કેમ કે પરદ્રવ્યની અવસ્થા આત્મા ત્રણકાળમાં કદી કરી
શક્તો નથી. શું પરદ્રવ્ય વર્તમાન પર્યાય વિનાનું ખાલી છે કે આત્મા તેની પર્યાય કરે?
આ તો મહાસિદ્ધાંત છે કે ‘કોઈ પણ પદાર્થ કોઈ પણ સમયે પર્યાય વિનાનું હોતું નથી.’