૧૭૨] [હું
[પ્રવચન નં. ૩૩]
અનંત અનંત ગુણની ખાણઃ નિજ–પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૩-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. યોગીન્દ્રદેવ નામના દિગંબર મુનિ થઈ ગયા. તેમણે
આ યોગસાર શાસ્ત્ર પોતાના સંબોધન માટે બનાવેલ છે એમ છેલ્લે વાત આવશે.
શરૂઆતની ગાથામાં કહેલ છે કે જે ભવભ્રમણથી ડરે છે એવા જીવોને માટે હું આ
શાસ્ત્ર બનાવું છું.
અહીં આપણે ૮પ મી ગાથા ચાલે છે.
जहिं अप्पा तहिं सयल–गुण केवलि एम भणंति ।
तिहिं कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી એમ વદંત;
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮પ
આત્મા અનંત ગુણસંપન્ન એક વસ્તુ છે. તેની અંતરદ્રષ્ટિ કરીને તેનો અનુભવ
કરતાં એક આત્માના ગ્રહણમાં અનંત ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
ભગવાન આત્મા એક સમયમાં અનંત ગુણરૂપ-એકરૂપ વસ્તુ છે, એ અનંત ગુણ
એટલે કેટલાં? કે આકાશના પ્રદેશથી અનંતગુણા ગુણ દરેક આત્મામાં છે.
આકાશના પ્રદેશો અનંત છે. એ અનંત એટલે કેટલાં કે દર છ મહિના અને
આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષમાં જાય છે તો અત્યાર સુધીમાં જેટલાં મુક્ત જીવો થયા
છે તેનાં કરતાં નિગોદના એક શરીરમાં અનંતગુણા જીવો છે. આવા બધાં જીવો મળીને
સિદ્ધ કરતાં અનંતગુણા જીવો છે અને જીવથી અનંતગુણા પુદ્ગલો છે. આ પુદ્ગલોથી
અનંતગુણા ત્રણકાળના સમય છે અને આ સમયથી અનંતગુણા આકાશના પ્રદેશો છે
અને આ પ્રદેશોથી અનંતગુણા ગુણ એક એક જીવમાં રહેલા છે.
ભગવાન કહે છે કે દરેક જીવમાં અનંત..અનંત ગુણ છે, દોષ દેખાય છે તે તો
કોઈ ગુણની પર્યાયમાં અલ્પ દોષ છે. અનંત ગુણોમાં દોષ નથી. કોઈ ગુણની કોઈ
પર્યાયમાં અલ્પ દોષ છે, જ્યારે ગુણ તો અનંત...અનંત છે. એ દરેક ગુણો આત્માના
અસંખ્યપ્રદેશે વ્યાપેલા છે.
આકાશનો ક્યાંય અંત છે? ચાલ્યા જાવ...ચાલ્યા જાવ અને જુઓ આકાશનો
ક્યાંય છેડો છે? નાસ્તિકને પણ સ્વીકારવી પડે એવી આ વાત છે કે આકાશનો અંત
નથી. એ આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. ‘આવા અનંત
ગુણોનું એક રૂપ તે આત્મા છે.’
આવી પોતાની ચીજનો વિશ્વાસ અંતરથી આવવો જોઈએ. ખાલી ધારણામાં, વિચારમાં
કે ક્ષયોપશમમાં સ્વીકારે એટલાથી ન ચાલે. અનંત...અનંત ગુણનું એકરૂપ એવો આત્મા છે.