પરમાત્મા] [૧૭૧
કેવળજ્ઞાનની એક પર્યાયમાં આટલી તાકાત છે, એવી અનંત પર્યાયોનો એક
ગુણ અને એવા અનંત ગુણોનો પિંડ એક આત્મા છે. તેની મહિમાની શી વાત! લોકોને
ધર્મ કરવો છે પણ ધર્મનો કરનારો પોતે કેવો છે અને કેવડો છે તેનું લોકોને ભાન
નથી. હે પ્રભુ! ચૈતન્યસંપદા તારા ધામમાં છે તેને તું સંભાળ એ તારો ધર્મ છે, પણ
અરે! આવો મહિમાવંત આત્મા તેની મહિમા આવે નહિ અને લોકોને રાગની ને
પુણ્યની ને વૈભવની મહિમા આવે છે.
શ્રોતાઃ- પ્રભુ! આપ એવી વાત કરો છો ને કે સાંભળતાં ખુશી ખુશી થઈ
જવાય છે.
પૂજ્ય ગુરુદેવઃ-ભગવાન! તારા ઘરની વાત છે ને ભાઈ! તને એ રુચવી જ
જોઈએ. કોઈ કોઈને કાંઈ કરાવી દેતું નથી. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પણ કોઈને
આત્માની રુચિ કે દ્રષ્ટિ કરાવી શક્તા નથી. પોતે જ પોતાની રુચિ, દ્રષ્ટિ-જ્ઞાન અને
અનુભવ કરવાના છે. મહાવિદેહમાં તો અત્યારે ધોરી ધર્મધુરંધર તીર્થંકરો વિચરે છે તો
શું ત્યાં બધાં જીવો સમકિતી હશે? અરે! સાતમી નરકે જવાવાળા જીવો પણ ત્યાં છે,
અને મોક્ષે જવાવાળા જીવો પણ ત્યાં છે, એ જ તો જીવની સ્વતંત્રતા બતાવે છે.
અહીં ગાથામાં શું કહે છે કે ભાઈ! તારા બધાં ગુણો તારા આત્મામાં જ છે.
પ્રશંસા કરવા યોગ્ય સારા સારા બધાં ગુણો તારા આત્મામાં જ છે, સંયોગમાં નથી કે
એક પર્યાયમાં પણ તારા બધાં ગુણ આવી જતાં નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, શાંતિ,
સ્વચ્છતા, પરમેશ્વરતા, કર્તા, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, ભાવ, અભાવ આદિ
અનંતા ગુણો જ્યાં આત્મા છે ત્યાં અસંખ્યપ્રદેશે ઠસોઠસ ભરેલાં છે. એક ભગવાન
આત્માને અંતરદ્રષ્ટિએ અનુભવતાં તેમાં રહેલાં અનંતા ગુણોનો એકસાથે અનુભવ થઈ
જાય છે.
લોકો તકરાર કરે છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય, પણ
ભાઈ! સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય તો ચારિત્રગુણના અંશ વગર આનંદનો અંશ ન
આવે અને તો અનંત આનંદનું ધરનારું દ્રવ્ય દ્રષ્ટિમાં-પ્રતીતમાં આવ્યાનું ફળ શું?
સમ્યગ્દર્શન કોઈ એવી ચીજ છે કે સર્વગુણોના અંશને પ્રગટ કરીને અનુભવે છે. તેથી
જ કહ્યું છે ‘સર્વગુણાંશ તે સમકિત.’ ભગવાનના જ્ઞાનમાં જેટલા ગુણો આવ્યા છે તે
બધાંનો અંશે અનુભવ સમકિતીને થાય છે.
આત્માનું ગ્રહણ થતાં તેના સર્વગુણોનું ગ્રહણ થઈ જાય છે. કેરીને ગ્રહણ કરતાં
તેના સ્પર્શ-રસાદિ બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે, તેમ આત્માને ગ્રહણ કરતાં તેના
બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે. તેનું નામ સ્વાનુભૂતિ કહો, સમકિત કહો કે ધર્મ કહો
બધી એક જ વાત છે.