પરમાત્મા] [૧૮૩
[પ્રવચન નં. ૩પ]
નિજ–પરમાત્માની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં
મુક્તિનો પ્રારંભ
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા ૧પ-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. મુનિરાજ યોગીન્દ્રદેવે આ શાસ્ત્રની રચના કરી છે.
તેમાં આપણે ૮૮ ગાથા સુધી પહોંચ્યા છીએ.
सम्माइट्ठी–जीवडहं दुग्गइ–गमणु ण होइ ।
जइ जाइ वि तो दोसु णवि पुव्व–क्किउ खवणेइ ।। ८८।।
સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય;
કદી જાય તો દોષ નહિ, પૂર્વ કર્મ ક્ષય થાય. ૮૮.
સમ્યગ્દ્રષ્ટિ જીવનું ગમન હલકી ગતિઓમાં હોતું નથી. કેમકે સમ્યગ્દ્રષ્ટિને દ્રષ્ટિમાં
પોતાના પૂર્ણ સ્વભાવનો જ આદર છે અને સંસાર તરફ ઉપેક્ષાભાવ છે. એક પોતાના
શુદ્ધસ્વભાવનું જ ગ્રહણ છે, બાકી શુભ વિકલ્પથી માંડીને આખા સંસાર પ્રત્યે જ્ઞાનીને
ગ્રહણબુદ્ધિ નથી, આદર નથી. તેથી જ્ઞાની હલકી ગતિમાં જતાં જ નથી. છતાં કદાચિત્
જાય તોપણ તેમાં જ્ઞાનીને હાની નથી. તેમના પૂર્વકૃત કમનો ક્ષય થઈ જાય છે.
શ્રોતાઃ- સમ્યગ્દ્રષ્ટિ કોને કહેવાય?
પૂજ્ય ગુરુદેવઃ- જેને આત્માના શુદ્ધ સ્વભાવની ગાઢ રુચિ છે અને અતીન્દ્રિય
સુખનો પરમ પ્રેમ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેને આખા સંસાર તરફથી અંતરથી રુચિ-પ્રેમ
ઊડી ગયા હોય છે. આવા જ્ઞાનીને દ્રઢ પ્રતીતિ હોય છે કે મારી શાંતિ અને આનંદ પાસે
બધું તુચ્છ છે. શુભરાગમાં પણ મારો આનંદ નથી, તો બીજે ક્યાં હોય? આવા દ્રઢ
પ્રતીતિવંત જ્ઞાની મુક્તિના પથિક છે-છૂટવાની દિશાએ ચાલનારા છે.
મોક્ષસ્વરૂપ આત્માની જેને રુચિ અને પ્રતીત થઈ તે મોક્ષનો પથિક છે. આત્મા
વસ્તુસ્વભાવે રાગ, શરીર કે કર્મથી કદાપિ બંધાણો જ નથી. એક સમયની પર્યાયમાં
રાગ છે પણ જેણે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લીધી અને સ્વભાવદ્રષ્ટિ કરી તેને
મુક્તસ્વભાવ જ જણાશે. તે પર્યાયમાં પણ મુક્તસ્વભાવના પંથે જ છે.
ભગવાન આત્મામાં રાગ અને કર્મનો સંબંધ ક્યાં છે? વસ્તુ તો પૂર્ણ મુક્ત છે
અને સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ મુક્તસ્વભાવ ઉપર જ છે. દ્રષ્ટિ મુક્તસ્વભાવ ઉપર છે ત્યાં
રાગ, કર્મનું નિમિત્ત, બંધની પર્યાય આદિનું જ્ઞાન રહે છે પણ તેનો આદર રહેતો નથી.
ભવરહિત સ્વભાવની દ્રષ્ટિ થતાં જ્ઞાનીને પૂછવા જવું પડતું નથી કે હે ભગવાન!