Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 185 of 238
PDF/HTML Page 196 of 249

 

background image
પરમાત્મા] [૧૮પ
જ્ઞાનીને ભોગાદિનો થોડો રાગ આવી જાય છે પણ તેનો ખેદ થાય છે, પોતે
પોતાના રાગની નિંદા કરે છે, ગુરુ પાસે ગર્હણા કરે છે.
સ્વામીકાર્તિકેય મુનિરાજ કહે છે કે જેને આત્માનું ભાન થયું અને
અનંતાનુબંધીનો નાશ થયો તે ધર્મી પર્યાયમાં પોતાને તુચ્છ દેખે છે. અરે! ક્યાં
ભગવાનની કેવળજ્ઞાનની દશા અને ક્યાં મુનિઓની પ્રચુર સ્વસંવેદનની દશા! તેની
પાસે મારી પર્યાયમાં તો બહુ કમી છે-હું પામર છું.
સમયસાર પ મી ગાથામાં કુંદકુંદાચાર્યે પણ કહ્યું છે કે સર્વજ્ઞ ભગવાનથી માંડીને
અમારા ગુરુપર્યંત બધાં અંતર નિમગ્ન છે. તેમણે અમારા ઉપર કૃપા કરીને ઉપદેશ આપ્યો
કે ‘ભગવાન! તું શુદ્ધ છો’ આ સાંભળી અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું. કુંદકુંદ
આચાર્યે એમ ન લીધું કે અમારી પાત્રતા જોઈને ગુરુએ ઉપદેશ આપ્યો, પણ ગુરુએ કૃપા
કરીને ૧૨ અંગના સારરૂપ ‘તું શુદ્ધાત્મા છો’ એવો ઉપદેશ આપ્યો એમ લીધું.
શુદ્ધ ચૈતન્ય તરફ જેનો ઝુકાવ છે તેને રાગ તરફ નિંદા-ગર્હણા થાય જ. એ તેનું
લક્ષણ છે. એમ ન હોય કે રાગ ભલે આવ્યો. ધર્મીને સદાય અકષાયભાવની જાગૃતિ રહે
છે અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને જિનવાણીની ગાઢ ભક્તિ કરે છે, સ્તુતિ, વંદના,
પૂજા, સ્વાધ્યાય પણ કરે છે. આ બધા શુભભાવ સહકારી નિમિત્ત છે એમ ધર્મી જાણે છે.
ધર્મીને સાધર્મી ભાઈ-બહેન પ્રત્યે વાત્સલ્ય આવે છે. સાધર્મીની વિશેષ દશા
જોઈને દ્વેષ નથી આવતો પણ એમ થાય છે કે અહા! ધન્ય અવતાર! મારે પણ આવી
દશા પ્રગટ કરવી છે. રત્નકરંડ-શ્રાવકાચારમાં આવે છે કે ધર્મ ધર્મી વિના હોતો નથી.
તો જેને ધર્મી ઉપર પ્રેમ નથી તેને ધર્મ ઉપર પણ પ્રેમ નથી.
સમ્યગ્દ્રષ્ટિ કોઈ સાથે અન્યાયયુક્ત વ્યવહાર કરતાં નથી. સમ્યગ્દ્રષ્ટિને ૪૧
પ્રકૃતિનો બંધ થતો નથી. તે તો દેવ અને મનુષ્યગતિમાં જ જન્મે છે. કદાચિત્
સમ્યગ્દર્શન પહેલાં નરક, તિર્યંચગતિનો બંધ થઈ ગયો હોય તો ત્યાં પણ સમભાવથી
દુઃખ સહન કરી લે છે. સમ્યગ્દ્રષ્ટિને ‘બાહિર નારકીકૃત દુઃખ ભોગત, અંતર સુખરસ
ગટાગટી.’ જેટલો કષાયભાવ છે તેટલું જ્ઞાનીને દુઃખ થાય છે પણ તેને ગૌણ કરીને
અતીન્દ્રિય સ્વભાવની મુખ્યતાથી આનંદને વેદે છે તેથી જ સમ્યગ્દ્રષ્ટિ નરકમાં હોય
તોપણ સુખી છે અને મિથ્યાદ્રષ્ટિ નવમી ગ્રૈવેયકમાં હોય તોપણ દુઃખી છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય તો સમ્યગ્દ્રષ્ટિ કદાચિત્
નરકમાં જાય તેને પૂર્વકૃત કર્મોની અને અશુદ્ધભાવની નિર્જરા થાય છે અને નવા કર્મ
બંધાતા નથી. સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણાનંદ સ્વભાવની જ મુખ્યતા હોવાથી સમ્યગ્દર્શન સૂર્ય
ઊગ્યો હોવાથી અવ્રતી હોવા છતાં એવા પાપ નથી બાંધતો કે જેથી તે નારકી, તિર્યંચ,
સ્ત્રી, નપુંસક થાય કે નીચ ગતિ આદિ દશાને પ્રાપ્ત થાય.
સમ્યગ્દ્રષ્ટિ અખંડિત પ્રતાપવંત હોય છે, વિદ્યાવંત હોય છે, જશવંત હોય છે.