પરમાત્મા] [૧૮૯
અનંતકાળમાં જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામ્યા છે તે પૂર્ણ ચૈતન્યકંદ, આનંદઘન
નિજતત્ત્વના આશ્રયે પામ્યા છે. સમ્યગ્દર્શન થયા પછી પણ જેટલો વ્યવહાર બાકી રહે
છે તેને પરાશ્રય જાણીને છોડે અને સ્વાશ્રય કરે ત્યારે જ સમ્યગ્દ્રષ્ટિને શુક્લધ્યાન અને
કેવળજ્ઞાન થઈને મુક્તિ થાય છે.
માટે, સૌ પ્રથમ શ્રદ્ધામાં એવો નિર્ણય થવો જોઈએ કે સ્વાશ્રયથી જ ધર્મની
શરૂઆત અને પૂર્ણતા છે. પરાશ્રયથી તો ધર્મની શરૂઆત પણ થતી નથી. કેમકે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-આનંદ આદિ બધી પર્યાયોનો પિંડ તો દ્રવ્ય છે, વ્યવહારના
રાગમાં એ પર્યાયની શક્તિ નથી. નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય દ્રવ્ય-ગુણમાં છે, પરાશ્રિત
વ્યવહારમાં નથી. આ તો ભાઈ! સીધી અને સરળ વાત છે.
બંધ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય પણ કહે છે કે ભગવાન એમ કહે છે કે
પરદ્રવ્યને હું મારી-જીવાડી શકું છું કે સુખી-દુઃખી કરી શકું છું એ આદિ સર્વ
અધ્યવસાય-પરમાં એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે. તેથી જેટલો પણ પરાશ્રય છે તે બધો
ભગવાને છોડાવ્યો છે.
મહાસિદ્ધાંતો આપેલાં છે ત્યાં વાદ-વિવાદનું સ્થાન જ ક્યાં છે? એક જ વાત છે.
પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેના આશ્રયથી જ સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્ર થાય છે અને તેના આશ્રયથી જ શુક્લધ્યાન અને કેવળજ્ઞાન થાય છે.
સર્વજ્ઞ ભગવાનની પેઢીમાં ત્રણકાળ ત્રણલોકમાં એક જ સિદ્ધાંત ચાલે છે
‘સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર’ અને નિશ્ચયનયાશ્રિત મુનિવરો જ
મુક્તિ પામે છે.
પરદ્રવ્યના આશ્રયે થતાં ભાવ શુભ હો કે અશુભ હો પણ તે બન્ને અશુદ્ધભાવ
છે. તેમાં જેનું મન લીન છે તેને સ્વાશ્રય નથી અને સ્વાશ્રય નથી માટે તેને મુક્તિ પણ
પ્રાપ્ત થતી નથી. પોતાનો શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયથી જ શુદ્ધભાવ પ્રગટ થાય
છે અને શુદ્ધભાવથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે.
ભાઈ! સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથે જે પદ્ધતિ કહી છે તે પદ્ધતિ ન રહે તો
આખી અન્યમતની પદ્ધતિ થઈ જાય. રાગથી લાભ માનવો એ તો અન્યમતની પદ્ધતિ
છે. સર્વજ્ઞ પરમાત્માની અનાદિ પરંપરાથી ચાલી આવતી પદ્ધતિની શ્રદ્ધા તો બરાબર
હોવી જોઈએ. સ્થિરતા ભલે વિશેષ ન થઈ શકે પણ સ્વાશ્રયે જ લાભ છે- એવી દ્રષ્ટિ
તો બરાબર હોવી જોઈએ. આ વાત ત્રણકાળમાં ફરવી ન જોઈએ.
આથમણો થોડો ચાલે તો ઉગમણો જાય? એટલે કે પશ્ચિમ તરફ થોડું ચાલે તો
પૂર્વ તરફ જઈ શકે એક કદી હોઈ શકે?-ન હોય; તો પછી થોડો પરાશ્રય કરે પછી
સ્વાશ્રય થાય એમ કેમ બની શકે?
લોકોમાં કહેવત છે ને! ‘પરાધીન સ્વપ્ને સુખ નાહિ.’ એ જ વાત અહીં છે.
સાક્ષાત્ સર્વજ્ઞદેવ ભલે હો પણ તે પરદ્રવ્ય છે, તેના આશ્રયે અન્ય જીવને સુખ કોઈ
કાળે થાય નહિ. પરાશ્રયભાવ તે વ્યવહાર અર્થાત્ બંધ છે. સ્વાશ્રયભાવ જ સદા અબંધ
છે. ત્રણકાળ, ત્રણલોકમાં આ એક જ સિદ્ધાંત છે તે કદી ફરે તેમ નથી.