૧૯૦] [હું
હવે ૯૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે સમકિતી જ પંડિત અને પ્રધાન છે.
जो सम्मत्त–पहाण बुहु सो तइलोय–पहाणु ।
केवल–णाण वि लहु लहइ सासय–सुक्ख–णिहाणु ।। ९०।।
જે સમ્યક્ત્વપ્રધાન બુધ, તે જ ત્રિલોકપ્રધાન;
પામે કેવળજ્ઞાન ઝટ, શાશ્વત સૌખ્યનિધાન. ૯૦.
આહાહા...! દિગંબર સંતોએ પણ કાંઈ કામ કર્યા છે! બહુ થોડાં શબ્દોમાં આખો
સાર ભરી દીધો છે.
આ તો યોગસાર છે. પોતાના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય તેનું નામ ‘યોગ’
છે, તે યોગનો આ સાર છે. પરાશ્રિત વ્યવહાર તે યોગસાર નથી પણ સ્વાશ્રિત નિશ્ચય
તે યોગસાર છે.
જે સમ્યગ્દર્શનનો સ્વામી છે-જે આત્મા સમજ્યો છે તે પંડિત છે, બાકી
અગિયાર અંગ ને ચૌદપૂર્વ ભણી ગયેલો હોય તોપણ તે પંડિત નથી. આત્માના આશ્રય
વગર અગિયાર અંગ આદિનું જ્ઞાન પણ નાશ પામી જાય છે અને જીવ નિગોદમાં પણ
ચાલ્યો જાય છે. અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ક્ષયોપશમ થઈ જાય છે. માટે
આત્મજ્ઞાન વગરનું એકલું અગિયાર અંગનું જ્ઞાન કાંઈ કલ્યાણકારી નથી કેમકે તે
પરાશ્રિત છે.
જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને તેમાંથી જ્ઞાનનો કણ કાઢવો તે કણ
પણ કલ્યાણકારી છે. (આ ‘કણ’ કહેતાં કણિકા યાદ આવી) બનારસીદાસજીએ
પરમાર્થવચનિકામાં લખ્યું છે કે સ્વરૂપના દ્રષ્ટિ-જ્ઞાનપૂર્વક ચારિત્રની કણિકા જાગે તો
મોક્ષમાર્ગ છે, નહિ તો મોક્ષમાર્ગ નથી. બનારસીદાસજી એક બહુ મોટા મહાપંડિત થઈ
ગયા; યથાર્થ વસ્તુસ્વરૂપ લખતાં ગયા.
અહીં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જ જગતમાં પ્રધાન (મુખ્ય) છે અને પંડિત છે.
સમ્યક્સ્વરૂપ પૂર્ણ શુદ્ધ તત્ત્વની અંતર્મુખ થઈને સ્વાશ્રયે જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે
જ જગતમાં સ્વામી એટલે પ્રધાન અને પંડિત છે. આત્મા જાણ્યો તેણે બધું જાણ્યું. ‘એક
જાને સબ હોત હૈ, સબસે એક ન હોય.’ સમ્યગ્દ્રષ્ટિ તો કેવળજ્ઞાન લેશે. અંદરમાં સાદિ
અનંતકાળની અનંતી કેવળપર્યાય જ્ઞાનમાં પડી છે તેથી જેણે જ્ઞાયકની દ્રષ્ટિ કરી તે એક
બે ભવમાં કેવળજ્ઞાન લેશે...લેશે અને લેશે જ.
જેની દ્રષ્ટિમાં પોતાનો આત્મા શ્રેષ્ઠ છે તે જીવ જગતમાં પ્રધાન છે અને તે જ
પંડિત છે. શ્રાવકરત્નકરંડમાં સમકિતીની બહુ મહિમા કરી છે કે સમકિત તો પરમ
આધાર છે તેના વગર જ્ઞાન-વ્રત-તપ-ચારિત્ર આદિ બધું ફોગટ છે, કાંકરા સમાન છે.
ચૈતન્યરત્નની દ્રષ્ટિ અને નિર્વિકલ્પ અનુભૂતિ વગર બધું વ્યર્થ છે.
છઢાળામાં પણ સમકિતની મહિમા ગાતાં લખ્યું છે કે સ્વભાવની ગરિમા જ
એવી છે કે તેના દ્રષ્ટિવંત સમ્યગ્દ્રષ્ટિને ભલે જરાપણ સંયમ ન હોય તોપણ દેવો
આવીને તેને પૂજે છે.
સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ જ્યાં પડી છે એવા સ્વભાવમાં જ તે રહેલાં છે, રાગમાં
રહેલાં નથી.