પરમાત્મા] [૧૯૧
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવની જ રુચિ છે, રાગની રુચિ નથી. આવા જગત્શ્રેષ્ઠ સમ્યગ્દ્રષ્ટિ
અવિનાશી સુખના નિધાન એવા કેવળજ્ઞાનને શીઘ્ર પ્રાપ્ત કરે છે.
સમ્યગ્દ્રષ્ટિ જિનેશ્વરના લઘુનંદન છે. બનારસીદાસજી સમયસાર નાટકમાં લખે છે
‘ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલી કરે શિવમારગમેં,
જગમાંહિ જિનેશ્વરકે લઘુનંદન.’ મુનિરાજ મોટા પુત્ર છે અને સમ્યગ્દ્રષ્ટિ નાના પુત્ર છે.
સમ્યગ્દ્રષ્ટિની આવી મહિમા છે તે જ્યાં સુધી અંતરમાં ખ્યાલમાં ન આવે અને
પોતાના ક્ષયોપશમ જ્ઞાનની કે રાગની મંદતાની અધિકતા રહ્યાં કરે, સમ્યગ્દ્રષ્ટિ મારાથી
કોઈ અધિક મહાન છે એવું બહુમાન ન આવે ત્યાં સુધી તેને સ્વદ્રવ્યનો આશ્રયભાવ
પ્રગટ થતો નથી.
સમ્યગ્દર્શન સર્વ ગુણોમાં મુખ્ય ગુણ છે. ‘દંસણમૂલો ધમ્મો.’ ધર્મનું મૂળ
સમ્યગ્દર્શન છે. તેથી જ અહીં (સ્વાધ્યાયમંદિરમાં) કુંદકુંદ આચાર્યના ચાર બોલ મોટા
અક્ષરમાં લખ્યાં છે. (૧) દંસણમૂલો ધમ્મો. (૨) દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ. (૩)
દર્શનશુદ્ધિ તે જ આત્મસિદ્ધિ અને (૪) પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક
શરૂઆત છે. ચારેય વાક્ય સારમાં સાર છે.
ધર્મ ચારિત્ર છે પણ તેનું મૂળ સમ્યગ્દર્શન છે. અને ‘मूलं नास्ति कुत्तो शाखा?
જ્યાં સમ્યગ્દર્શનરૂપી મૂળ જ નથી ત્યાં વ્રત, તપ, સંવર, નિર્જરા આદિની શાખા ક્યાંથી
હોય? એકડા વગર મીંડા શું કામના? મુખ્યતા એકડાની છે. એકડા સહિતના મીંડાની
કિંમત છે તેમ સમ્યક્ત્વ સહિતના જ્ઞાન અને ચારિત્ર મુક્તિનું કારણ છે.
સમ્યગ્દર્શનનું ધ્યેય સ્વરૂપમાં છે, દ્રષ્ટિ દ્રવ્યમાં છે, પરિણમન પણ દ્રવ્ય તરફ છે
અને રાગથી મુક્ત છે તેથી સમ્યક્ દ્રષ્ટિ ક્રમે ક્રમે મોક્ષ તરફ લઈ જાય છે. અર્થાત્
સમ્યગ્દર્શન અબંધપરિણામની ઉગ્રતા તરફ લઈ જાય છે. કેમ કે અબંધસ્વભાવી દ્રવ્યની
દ્રષ્ટિ થઈ એટલે પરિણામ અબંધસ્વભાવ તરફ જ છે અને અબંધપરિણામ તે જ
મોક્ષમાર્ગ છે.
જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ હોતો નથી જ્ઞાન ઘણું
હોય પણ સમ્યગ્દર્શન ન હોય તો તે જ્ઞાની, પંડિત નથી. અને એક દેડકું ભલે તેને
નવતત્ત્વના નામની પણ ખબર ન હોય પણ આત્માનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ
કરી શકે છે. આ અતીન્દ્રિય આનંદસ્વરૂપ તે હું છું, તેનાથી વિરુદ્ધ દુઃખ તે હું નહિ
એટલું સમજાયું તેમાં બધું આવી ગયું.
ભગવાન આત્માને અતીન્દ્રિય આનંદનો જ્યાં પર્યાયમાં સ્પર્શ થાય છે ત્યાં નવેય
તત્ત્વનું જ્ઞાન થઈ જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થતાં અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ
આખો આત્મા તે હું જીવદ્રવ્ય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે સંવર-નિર્જરા તત્ત્વ,
આનંદથી વિરૂદ્ધ આકુળતારૂપ-દુઃખરૂપ ભાવ તે આસ્રવ-બંધ તત્ત્વ અને આનંદમૂર્તિ
નિજદ્રવ્યથી જુદાં અચેતનદ્રવ્ય તે અજીવદ્રવ્ય-આમ નવેય તત્ત્વનું યથાર્થ જ્ઞાન
સમ્યગ્દર્શન થતાં એકસાથે થઈ જાય છે.
સમયસાર છઠ્ઠી ગાથામાં આત્માને પરદ્રવ્યથી ભિન્ન ઉપાસ્યમાન કહ્યો છે. દ્વાદશાંગ