Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 192 of 238
PDF/HTML Page 203 of 249

 

background image
૧૯૨] [હું
વાણીનો સાર જ આ છે કે આત્માને જાણવો. આત્મા તો શુદ્ધ છે જ. જે શુદ્ધ
જાણે તેને લાભ છે. જે પરદ્રવ્યનું લક્ષ છોડી પોતાના સ્વભાવનું લક્ષ કરી પર્યાયમાં
દ્રવ્યની ઉપાસના કરે છે, સેવા કરે છે, તેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, એ
શુદ્ધતાથી જ જાણ્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થયા વગર ક્યાંથી
જણાય કે દ્રવ્ય શુદ્ધ છે? માટે જ કહ્યું કે પર્યાયમાં દ્રવ્યની સેવા કરીને તેને શુદ્ધ જાણવો
તે દ્વાદશાંગ વાણીનો સાર છે.
સર્વજ્ઞ ભગવાન તો દરેક જીવને શુદ્ધ જ દેખે છે પણ તેથી તને શું લાભ? તું
શુદ્ધ જાણ તો લાભ થાય. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો એક એક તત્ત્વ જેમ છે તેમ
જણાય છે. અહો! ચારે પડખેથી સત્ય ઊભું થાય છે. દિવ્યજ્ઞાનની શી વાત? સ્વભાવને
શી મર્યાદા? લોકાલોક તો શું પણ તેથી અનંતગુણા લોકાલોક હોય તેને પણ જાણવાનું
જ્ઞાનમાં સામર્થ્ય છે. સ્વતઃ સ્વભાવ છે, સહજ તાકાત છે. જડ પરમાણુમાં પણ એક
સમયમાં આખા બ્રહ્માંડમાં જવાની તાકાત છે, તો જ્ઞાનની તાકાતનું શું કહેવું? જેનો જે
સ્વભાવ હોય તેમાં મર્યાદા ન હોય.
સમ્યગ્દ્રષ્ટિ ચંડાલ હો તોપણ તે દેવ દ્વારા પૂજવા યોગ્ય છે. અલ્પકાળમાં તે
ચારિત્ર લઈને મુક્તિ પ્રગટ કરશે. અને સ્વદ્રવ્યની દ્રષ્ટિ વિનાનો ભલે નવમી ગ્રૈવેયકનો
દેવ હોય તોપણ તે પૂજ્ય નથી. માટે જ કહ્યું છે કે સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ
ભલો છે અને સમ્યગ્દર્શન વિના સ્વર્ગનો વાસ પણ ભલો નથી. સમ્યગ્દર્શન થયું તેનો
તો મોક્ષ થઈ ગયો.
સમ્યગ્દર્શન થતાં અનાદિના અજ્ઞાન અંધકારનો નાશ થઈને જ્ઞાનપ્રકાશ પ્રગટ
થાય છે. સમ્યગ્દ્રષ્ટિને ‘સબ આગમભેદ સુ ઉર બસે’ બધા આગમનો સાર જ્ઞાનમાં
આવી જાય છે. બહાર ક્યાંય શોધવા જવું પડતું નથી.
અજ્ઞાનદશામાં જે સંસાર પ્રિય લાગતો હતો, તે જ સંસાર સમ્યગ્દર્શન થતાં
ત્યાગવા યોગ્ય દેખાવા લાગ્યો. ઈન્દ્રિયસુખની રુચિ પણ ટળી ગઈ. ત્રણલોકના
ઈન્દ્રિયસુખનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો.
સમ્યગ્દર્શન થતાં જીવ અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ આદિ સંપત્તિનો સ્વામી
બની જાય છે અને તે અનંતગુણનો અંશ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. પછી તે
પરચીજનો માલિક થતો નથી. મિથ્યાત્વદશામાં શરીર અને પરદ્રવ્યમાં અહંકાર, મમકાર
કરતો તે હવે આત્મામાં અહંકાર અને તેના ગુણોમાં મમકાર કરવા લાગ્યો.
ચૈતન્યરવિ-સમ્યક્ત્વસૂર્ય ઊગતાં મિથ્યાત્વ અંધકાર ટળી જાય છે.
મિથ્યાત્વદશામાં સદા ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના નાશ માટે ઉદ્યમી રહેતો હતો તે હવે
ઈષ્ટ-અનિષ્ટની દ્રષ્ટિ છોડીને સ્વભાવપ્રાપ્તિનો ઉદ્યમી થઈ જાય છે. દ્રષ્ટિએ ગુલાંટ ખાધી
ત્યાં બધું બદલાઈ ગયું. તેની મહિમા કેમ કરવી?
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થદશામાં પણ ક્યાંય લેખાઈ જતો નથી, અંદરથી વૈરાગી રહે છે અને