પરમાત્મા] [૨૦પ
પોતાનું અતીન્દ્રિય સુખ જેણે અનુભવ્યું એવા સાધકજીવને પોતાના અતીન્દ્રિય આનંદ
અને સુખની લાલચ લાગે છે.
પોતાના સ્વભાવના બેભાનપણાને લીધે મૂઢ-મિથ્યાદ્રષ્ટિ જગતના ઇન્દ્ર, ચક્રવર્તી
આદિના વૈભવોમાં સુખની કલ્પના કરે છે, પણ ખરેખર તે દુઃખ છે. ધર્મીની દ્રષ્ટિમાં
સુખબુદ્ધિ આત્મામાં જ છે. એકલા રાગ-દ્વેષ, પુણ્ય-પાપભાવનો અનુભવ કરવો તે તો
અધર્મધ્યાન છે. તેની રુચિ છોડી સ્વભાવની દ્રષ્ટિ કરતાં ધર્મધ્યાન પ્રગટ થાય છે. કોઈ
કહે ધર્મધ્યાન એટલે શુભભાવ તો તે વાત ખોટી છે. સ્વભાવ સન્મુખની એકતા તે
ધર્મધ્યાન છે અને ઉગ્રપણે એકતા થવી તે શુક્લધ્યાન છે.
અહા! અનંતકાળમાં સાક્ષાત્ પ્રભુ પાસે પણ આ જીવ જઈ આવ્યો પણ
બહિર્મુખદ્રષ્ટિ છોડી નહિ. બહારથી મને લાભ થશે એ માન્યતા છોડી નહિ. એ રીતે
પોતે અંતર્મુખ ભગવાન આત્માને દ્રષ્ટિમાંથી ઓજલ કરી નાખ્યો છે.
આહાહા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ આત્મા કેવો છે? તો કહે છે કે
સર્વજ્ઞભગવાનની વાણીમાં પણ જેના પૂરા ગુણ આવી ન શકે તેવો આ ભગવાન
આત્મા છે. શ્રીમદ્ કહે છે ને! ‘જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ
શ્રી ભગવાન જો.’ ગોમ્મટસારમાં પણ આવે છે કે ‘ભગવાને જાણ્યું છે તેનાથી
અનંતમાં ભાગે જ કહી શક્યા છે.’ ભાવમુક્ત ભગવાન અરિહંત જ્યાં વાણીમાં
આત્માનું પૂરું સ્વરૂપ કહી ન શક્યા ત્યાં ‘તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
જેમ મૂંગો ગોળનો સ્વાદ કહી શક્તો નથી પણ અનુભવી શકે છે. તેમ ભલે
આત્માનું વર્ણન વાણીમાં પૂરું ન આવે પણ અનુભવગોચર થઈ શકે એવું સ્વરૂપ છે.
પુણ્ય-પાપથી રહિત આત્મા અનુભવમાં આવે છે.
ભગવાન આત્મા ચૈતન્ય પિંડ, ચેતન્ય દળ, ચૈતન્ય નૂર, ચૈતન્ય પૂર એવો
પૂર્ણાનંદપ્રભુ તેની દ્રષ્ટિ અને ધ્યાનથી ગુણસ્થાનની શ્રેણી વધે છે. રાગના કે પુણ્યના
અવલંબનથી ગુણસ્થાનની શ્રેણી વધતી નથી. ચૈતન્યની એકાગ્રતાની ધારાએ
ગુણસ્થાનની ધારા વધે છે.
નિશ્ચયનય ત્રિકાળ શુદ્ધ આત્મસ્વભાવના દર્શન કરાવે છે, જ્યારે વ્યવહારનય તો
ભેદ, રાગ અને નિમિત્તના દર્શન કરાવે છે. સમયસારની છઠ્ઠી ગાથામાં પુણ્ય-પાપના
ભેદ કાઢી નાખ્યા, અસદ્ભૂત ઉપચાર અને અનુપચાર વ્યવહારનયને કાઢી નાખ્યો અને
સાતમી ગાથામાં સદ્ભૂત અનુપચાર જે ગુણ-ગુણીના ભેદનો વ્યવહાર તે પણ કાઢી
નાખ્યો, એકલો જ્ઞાયકસ્વરૂપ આત્મા બધાથી જુદો બતાવી દીધો છે.
એકલો ભગવાન જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક (‘જ્ઞાયક’ એવો વિકલ્પ નહિ)
ચેતન્યના નૂર વિનાના પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન પડેલો ‘જ્ઞાયક’ તેનું જ્ઞાનભાવે
પરિણમન કરતાં દ્રષ્ટિમાં જ્ઞાયકભાવ આવે છે તે ધર્મદ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ વિના
ત્રણકાળમાં મોક્ષ નથી.
કોઈ કહે કે પંચમકાળમાં નિશ્ચય મોક્ષમાર્ગ હોય નહિ માટે વ્યવહાર-મોક્ષમાર્ગ જે
પુણ્ય-પરિણામ તેનું આચરણ કરો તે મોક્ષમાર્ગ છે. અરે! પણ નિશ્ચય વિના વ્યવહાર હોય જ
નહિ, સ્વાશ્રય નિશ્ચય પ્રગટે ત્યારે કાંઈક પરાશ્રય બાકી રહી જાય તે વ્યવહાર છે. એકલો