Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 206 of 238
PDF/HTML Page 217 of 249

 

background image
૨૦૬] [હું
પરાશ્રયભાવ હોય તે તો મિથ્યાદ્રષ્ટિ છે અને એકલો જેને સ્વાશ્રય પૂરો પ્રગટ થઈ ગયો
તે ભગવાન પરમાત્મા છે, અને સ્વભાવની દ્રષ્ટિથી સ્વાશ્રય પ્રગટ થયો પણ હજી સાથે
થોડો પરાશ્રય રહી ગયો તે સાધકદશાનો વ્યવહાર છે.
આ વસ્તુસ્થિતિ છે, તે ત્રણકાળમાં કદી ફરે નહિ.
અનંતકાળમાં જીવે બહાર જ ડોકિયાં માર્યા છે. સ્વાશ્રય ક્યારેય કર્યો જ નથી.
એકવાર જો ‘હું પરમાત્મસ્વરૂપ છું’ એમ દ્રષ્ટિ કરે તો બહિરાત્મા મટીને અંતરાત્મા થઈ
જાય. સીધી વાત છે. ભગવાન આત્મા પોતે સીધો-સરળ ચિદાનંદ ભગવાન પડયો છે
“સત્ સરળ છે, સત્ સર્વત્ર છે અને સત્ સુલભ છે” પણ જીવે પોતે એવું દુર્ગમ કરી
નાખ્યું છે કે કે સત્ વાત સાંભળવી પણ એને મોંઘી પડે છે.
આ જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ છે. પોતાના પૂર્ણાનંદનો આશ્રય
લઈને અજ્ઞાન-રાગ-દ્વેષાદિ પરનો આશ્રય ટાળે તેને જૈન કહેવામાં આવે છે. પરમેશ્વરે
કાંઈ નવો ધર્મ નથી કર્યો.
અખંડાનંદ પ્રભુ ભગવાન આત્મા એક સમયમાં અનંતગુણનો મોટો પિંડ-રાશિ
છે એ વાત લાવો તો ખરા! અનંતગુણ ન હોય તો વસ્તુ જ ન હોય. અસંખ્યાત
પ્રદેશમાં અનંતગુણનો પિંડ મહાપ્રભુ બિરાજમાન છે. સ્વભાવની મૂર્તિ છે તેનું શું કહેવું?
અરૂપી ચિત્પિંડ, ચિદ્ઘન, વિજ્ઞાનઘન વસ્તુ છે. આકાશના અમાપ... અમાપ અનંત
પ્રદેશોની સંખ્યા કરતાં અનંતાનંત ગુણો એકેએક આત્મામાં છે. એવા આત્માનો આશ્રય
લઈને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરે તેને આસ્રવ ઘણો ઘટી જાય છે અને સંવર-નિર્જરા
વધી જાય છે. કારણ કે અનંતાનંત ગુણોમાંથી બહુ થોડા-અમુક જ ગુણોમાં વિપરીતતા
રહી છે તેથી આસ્રવ-બંધ થોડો થાય છે અને અનંત... અનંત...ગુણનો આદર અને
બહુમાનથી અનંતા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તેથી સંવર-નિર્જરા અધિક
થઈ ગઈ છે. તેથી જ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિને અબંધ કહ્યો છે, કેમ કે સ્વભાવમાં બંધ
નથી અને તેની દ્રષ્ટિમાં બંધ નથી તેથી બંધના ભાવને જ્ઞેયમાં નાખીને સમ્યગ્દ્રષ્ટિને
અબંધ કહ્યો છે. રાગથી, નિમિત્તથી તથા ભેદથી ભિન્ન અધિક આત્માની દ્રષ્ટિ થઈ તેને
મોક્ષમાર્ગ તો તેના હાથમાં આવી ગયો.
શ્રોતાઃ- વાહ પ્રભુ વાહ! આત્મા હાથમાં આવી ગયો તેનું શું બાકી રહ્યું? વાહ
દ્રષ્ટિનું જોર છે કાંઈ!
ભાઈ! એ વસ્તુનું જ જોર છે. તેની દ્રષ્ટિ કરી એટલે દ્રષ્ટિમાં પણ જોર આવી ગયું.
દ્રષ્ટિના જોરથી ધર્મીનું જ્ઞાન જાણે છે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ વિના હું અતૃપ્ત છું.
જેમ પેટ પૂરું ન ભરાય ત્યાં સુધી હું ભૂખ્યો છું એમ લાગે છે ને! તેમ ધર્મી પૂર્ણાનંદની
પ્રાપ્તિ વિના અતૃપ્ત છે. તેથી જેને પૂર્ણાનંદની ઝંખના છે એવા મોક્ષાર્થી-ધર્મી જીવો
નિર્વાણનું લક્ષ રાખીને શમ-સુખને ભોગવતા થકા, આત્માનો વિશેષ વિશેષ અનુભવ
કરતાં કરતાં શીઘ્ર નિર્વાણને પામે છે.