Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 207 of 238
PDF/HTML Page 218 of 249

 

background image
પરમાત્મા] [૨૦૭
પુણ્ય-પાપના ભાવ અને તેના ફળરૂપ હર્ષ-શોક તે બન્ને કર્મચેતનાથી અને
કર્મફળચેતનાથી રહિત જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જ્ઞાનચેતનાને સમ્યગ્દ્રષ્ટિ
નચાવે છે અને કર્મચેતના તથા કર્મફળચેતનાને છોડે છે.
અરે! પણ જીવ જેમાં ભરપૂર માલ ભર્યો છે તેની સામે નજર કરવાનો વખત
લેતો નથી અને જેમાં કાંઈ નથી એવા પુણ્ય-પાપભાવ અને નિમિત્તમાં જ મારું સર્વસ્વ
છે એમ માનીને તેને વળગ્યો છે. તેથી જ અમૃતચંદ્રાચાર્યે ૪૧૩ ગાથામાં કહ્યું છે કે
અજ્ઞાની જીવો અનાદિરૂઢ-વ્યવહારમૂઢ અને નિશ્ચય અનારૂઢ છે, અને જ્ઞાની વ્યવહારમૂઢ
નથી, પણ વ્યવહારને જાણનાર છે. નિશ્ચય વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા પછી થોડી અસ્થિરતાને
લીધે રાગ આવે છે તે વ્યવહાર છે એમ જ્ઞાની જાણે છે. નિશ્ચય વગર વ્યવહાર
ત્રણકાળમાં હોતો જ નથી.
જેમ રાજા થઈને ભિક્ષા માંગવા જાય તો એ મૂરખ છે તેમ આ આત્મા પોતે
ત્રણલોકનો નાથ થઈને ભગવાન પાસે પોતાનું ભગવાનપણું માંગવા જાય છે. તેને
મુનિરાજ કહે છે કે ‘પ્રભુ! તું જ ભગવાન છો’ પણ તેને પોતાનું સ્વરૂપ જોવાની
ફુરસદ નથી. અરે! તેની સન્મુખ દ્રષ્ટિ કરવી, એ મને ઠીક છે, તેમાં મારું હિત છે એમ
પણ તેને હજી બેસતું નથી, અને વ્યવહારની જ રુચિ રહે છે, પણ તેમાં તારું અહિત
થાય છે ભાઈ!
હવે ૯૪ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ ક્ષેત્રથી નાનો પણ ભાવથી મહાન એવા
આત્માનું સ્વરૂપ બતાવે છે.
पुरिसायार–पमाणु जिय अप्पा एहु पवित्तु ।
जोइज्जइ गुण–गणि–णिलउ णिम्मल–तेय–फुरंनु ।। ९४।।
પુરુષાકાર પવિત્ર અતિ, દેખો આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ.
૯૪.
૯૩ ગાથા સુધી આત્માના બહુ વખાણ કર્યા કે આત્મા અનંત જ્ઞાન, અનંત
દર્શન, અનંત આનંદ આદિ અનંત અનંત ગુણનો પિંડ છે. તેથી શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે
આવો તે આત્મા ક્ષેત્રથી પણ કેવડો મોટો હશે? તેને મુનિરાજ કહે છે કે ભાઈ! મોટા
ક્ષેત્રથી આત્માની મહાનતા નથી. તેની મહાનતા તો ગુણની અચિંત્યતાથી છે.
વેદાંત આદિ આત્માને સર્વવ્યાપક માને છે તેની સામે પણ આ ગાથા મહા
સિદ્ધાંત રજૂ કરે છે કે આત્મા શરીરપ્રમાણ છે, સર્વવ્યાપક નથી.
ભગવાન આત્મા ક્ષેત્રથી પુરુષાકાર છે અને ભાવથી ગુણગણધામ-ગુણોની ખાણ-
ગુણગણનિલય એટલે ગુણના સમૂહનો નિલય નામ ઘર છે. વળી નિર્મળ તેજથી
સ્ફુરાયમાન છે, અતિ પવિત્ર છે. આવા આત્માને અંતરજ્ઞાન અને શ્રદ્ધાથી જોવો જોઈએ.
વસ્તુદ્રષ્ટિથી જુઓ તો આત્મા ત્રિકાળ નિરાવરણ, સ્ફટિક જેવો શુદ્ધ નિર્મળ છે. વસ્તુને વળી
આવરણ કેવા? આત્મા તો ત્રિકાળ નિરાવરણ, સામાન્ય-વિશેષ ગુણોનો સાગર, જ્ઞાતા-
દ્રષ્ટા, વીતરાગ, પરમાનંદમય, પરમ વીર્યવાન અને શુદ્ધ સમકિત ગુણધારી છે.