૨૧૪] [હું
[પ્રવચન નં. ૪૧]
વિકલ્પજાળ તજીને નિજ–પરમાત્માનું લક્ષ કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૨-૭-૬૬]
શ્રી યોગીન્દ્રદેવકૃત યોગસાર શાસ્ત્ર ચાલે છે. યોગસારનો અર્થ એવો છે કે
આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેમાં એકાગ્ર થવાની ક્રિયાને અહીં યોગસાર કહે છે.
અનાદિથી જીવ પુણ્ય-પાપ અને રાગ-દ્વેષમાં જોડાણ કરતો આવ્યો છે તે દુઃખ
છે, સંસાર છે, તેનાથી વિપરીત પોતાના કાયમી-ત્રિકાળી સ્વરૂપમાં એકાકાર થવાની
ક્રિયાને યોગસાર કહે છે અને તેને જ મોક્ષમાર્ગ કહેવાય છે.
હવે અહીં ૯૭ મી ગાથામાં મુનિરાજ અનંત સુખ અથવા પરમ સમાધિ સુખનું
સાધન બતાવે છે.
वज्जिय सयल वियप्पई परम–समाहि लहंति ।
जं वंदहिं साणंदु क वि सो सिव–सुक्ख भणंति ।। ९७।।
તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિલીન,
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. ૯૭.
જુઓ! અહીં સર્વ વિકલ્પને છોડવાની વાત કરી છે. આત્મા પોતાના આનંદ,
જ્ઞાનાદિ અનંત શુદ્ધ સ્વભાવથી કદી રહિત થતો નથી, છતાં અનાદિથી એની દશામાં
રાગના વિકલ્પો-પુણ્ય-પાપની વાસના છે તેને છોડવાની વાત છે. સ્વભાવથી આત્મા
કદી ખાલી થયો નથી તે હકીકત છે; પણ દશામાં અનાદિથી શુદ્ધ છે એમ નથી. શુદ્ધ જ
હોય તો તો શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો રહેતો જ નથી, પણ પોતે જ પોતાના
સ્વભાવને ભૂલીને પર તરફ લક્ષ કરીને અનેક પ્રકારના શુભાશુભ ભાવોની દુઃખરૂપ
દશા પોતે ઊભી કરે છે.
જેને પોતાના આત્માની દયા આવે છે કે અરે! હું અનંતકાળથી રખડી રહ્યો છું.
હવે તો મારે મારું હિત કરવું છે-એમ જેને અંદરથી ભાવના જાગે તેને એમ થાય કે હું
તો એક આત્મા છું, મારે આ ચાર ગતિના પરિભ્રમણ કેવા? આ સંસાર તો અનંત
દુઃખમય છે, તેમાં રહેવું મને શોભતું નથી. આવી જેને ભાવના જાગી છે તેને મુનિરાજ
કહે છે તું પહેલાં શુભાશુભ વિકલ્પ જાળનું લક્ષ છોડી દે અને અનંત આનંદ, શાંતિ
અને સમાધિથી ભરપૂર નિજ વસ્તુસ્વભાવનું લક્ષ કર! તેનો વિશ્વાસ કર! તેનું
સમ્યગ્દર્શન પ્રગટ કર!
જે અનાદિથી વિકારમાં જ એકત્વ અને સુખ માનતો હતો તેણે હવે ગુલાંટ મારી
અને મારા સ્વભાવમાં જ શાંતિ, આનંદ અને સુખ છે એમ જેણે નક્કી કર્યું તેને એમ
લાગે છે કે મારા સ્વભાવના સ્વાદ પાસે વિકારનો સ્વાદ ફીક્કો છે. આમ સ્વભાવની
દ્રષ્ટિ થતાં જે જીવ વિકલ્પને છોડીને સ્વભાવમાં સ્થિર થાય છે તે પરમ સમાધિ અને
શાંતિ પ્રાપ્ત કરે છે.