પરમાત્મા] [૨૧પ
વસ્તુનો સ્વભાવ સદા નિર્દોષ હોય. સદોષતા તો પર્યાયમાં હોય. સ્વભાવ તો
નિર્દોષ કહો, સમાધિ સ્વરૂપ કહો કે વીતરાગ સમરસ સ્વરૂપ કહો, તેવા સ્વભાવનો
અનુભવ કરવાથી જીવ આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
અહીં તો ભાઈ! રોકડિયો ધંધો છે. જે કાળે સ્વભાવની દ્રષ્ટિ કરે તે જ કાળે
સ્વભાવનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે અને સ્વભાવથી વિપરીત પરદ્રવ્ય તરફ લક્ષ
કરે છે તેને વિકારના દુઃખનું વેદન થાય છે. પછી કર્મ બંધાય અને તેનું ફળ મળે એ
તો બધી બહારના સંયોગની વાત છે. સમયસારની ૧૦૨ ગાથામાં આવે છે કે ‘જે
સમયે કર્તા તે જ સમયે જીવ ભોક્તા છે.’
શ્રોતાઃ- આપ કહો છો કે જીવના ભાવનું ફળ રોકડિયું છે પણ અમે તો જોઈએ
છીએ કે લોકો ભજિયાં, પતરવેલિયાં, લાડવાં ખાતાં હોય અને લ્હેર કરતાં હોય છે, તે
ભાવ તો અશુભ છે તો તેને દુઃખ કેમ થતું નથી?
પૂજ્ય ગુરુદેવઃ- અરે! એ લ્હેર કરતાં ભલે દેખાય પણ એ દુઃખ જ છે, પણ
તેનું તેને ભાન નથી. જેટલું પરલક્ષ છે તેટલું દુઃખ જ છે. એ દુઃખદાવાનળની
વિકલ્પજાળને છોડીને સ્વભાવનું લક્ષ કરે તેને જ સમરસ અને શાંતિ છે, સુખ છે, તેને
જ ધર્મ પ્રગટ થયો કહેવાય. કહ્યું છે કે...
ભટકંત દ્વાર દ્વાર લોકન કે કુકર આશા ધારી,
આતમ અનુભવ રસકે રસિયા ઊતરે ન કબહૂ ખુમારી,
આશા ઔરનકી ક્યા કીજે? જ્ઞાન સુધારસ પીજે...
કૂતરો બટકું રોટલાં માટે ઘેર ઘેર ભટકે છે તેમ આ અજ્ઞાની મને કાંઈક સુખ
આપોને! એમ કરી બાયડી, છોકરા, ધન આદિ પાસે કૂતરાની જેમ ભટકે છે, તેને કહે
છે ભાઈ! તું જ્ઞાનરસનો પિંડ છો, આનંદનો સાગર છો તેનો તું સ્વાદ લે, જ્ઞાનરસ પી!
અરે! અજ્ઞાની જીવ સવારમાં હાથમાં દાંતિયો લઈને માથું ઓળતો હોય અને
અરીસો સામે રાખીને જોતો જાય. જાણે આ શરીર સારું લાગે તો મને સુખ થાય. કોઈ
મને સારો કહીને માન દે તો મને સુખ થાય. આહાહા!...ભગવાન તું ક્યાં ભટક્યો?
સુધારસનો સાગર તો તું પોતે છો! તેમાં ડૂબકી મારવી છોડીને, આ તું ક્યાં ડૂબ્યો?
અહીં કહે છે કે પ્રભુ! એક વાર તો તું ગુલાંટ માર! આ બધાં વિકલ્પો છોડી
સ્વભાવની દ્રષ્ટિ કર તો તને અતીન્દ્રિય આનંદ આવશે. અહો! સમાધિના પિંડ થઈ
ગયેલા એવા વીતરાગ ત્રિલોકનાથની વાણીમાં આવેલી આ વાતો છે. એ જ મુનિ કહે
છે. આ કાંઈ કોઈના ઘરની વાત નથી.
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
શ્રીમદ્ની છેલ્લી કડી છે. મોહ વિકલ્પથી આ સંસાર ઊભો થયો છે. અંતરદ્રષ્ટિ
કરતાં જ એ મોહનો નાશ થાય છે. શુભાશુભભાવો તારા સ્વભાવમાં નથી તેથી
સ્વભાવદ્રષ્ટિ કરતાં તેનો નાશ થયા વગર નહિ રહે.