પરમાત્મા] [૨૨૭
આવા દ્રઢ જ્ઞાન અને વૈરાગ્યધારી સમ્યગ્દ્રષ્ટિ જોકે પૂર્વકર્મના ઉદયથી
ગૃહસ્થાશ્રમમાં દરેક કાર્ય કરતાં દેખાય છે તોપણ તે કાર્યોને તે આસક્તિભાવથી કરતાં
નથી. રાગને રોગ જાણે છે, મારા પુરુષાર્થની ગતિ એટલી વિપરીત છે માટે રાગ થાય
છે એમ જાણે છે. રાગ એ મારા સ્વભાવની જાત નથી. તેમ કર્મ પણ રાગ કરાવતું
નથી. મારા જ પુરુષાર્થની ખામીથી રાગ થાય છે એમ જાણે છે.
જ્ઞાની જાણે છે કે આ મને સત્નું સ્થાપન કરવાનો-નયથી મુખ્ય-ગૌણ કરવાનો
વિકલ્પ ઊઠે છે તે પણ રાગ છે-પ્રશસ્ત કષાયનો અંશ છે. વીતરાગ અમૃતરસમાં એ
અંશ પણ મને પાલવતો નથી. આંખમાં કદાચ કણું સમાય પણ મારા વીતરાગરસમાં
આ રાગ પોષાતો નથી-સમાતો નથી.
આમ, જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં-ગૃહસ્થાશ્રમના કાર્યો કરતાં હોવા છતાં
તેમાં એકાકાર થતાં નથી, લીન થતાં નથી. ચારિત્રની કમજોરીથી થતાં રાગને-
વિષમભાવને પોતાના સમસ્વભાવથી વિરુદ્ધ હોવાથી રોગ જાણે છે.
સમ્યગ્દર્શનની શુદ્ધતા એ જ મોક્ષ ઉપાયનું મૂળ છે. સમ્યગ્દર્શનમાં સમ-
સ્વભાવી ભગવાન આત્માની સમ્યક્ પ્રતીતિનું જોર એટલું છે કે તે જ વીતરાગ
યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષનું કારણ બને છે.
આનંદઘનજી એક સ્તુતિમાં લખે છે કે “ગગનમંડળમાં ગૌઆ વિયાણી, વસુધા
દૂધ જમાયા, માખણ થા સો વીરલા પાયા, છાશે જગત ભરમાયા.” કહે છે માખણ તો
વિરલા જ્ઞાની ખાઈ ગયા અને જગત આખું તો છાશમાં ભરમાણું છે. આ સ્તુતિ
ઉપરથી શેઠિયાએ એક લીટી લખી છે કે ‘આતમ ગગનમેં જ્ઞાન હી ગંગા, જામે અમૃત
વાસા, સમ્યગ્દ્રષ્ટિ ભર ભર પીવે મિથ્યાદ્રષ્ટિ જાય પ્યાસા...’
આવા સમસ્વરૂપમાં લીન જ્ઞાનીને ક્યારેય પરપદાર્થમાં ઇષ્ટ-અનિષ્ટપણાનો રાગ
આવી જાય છે તેનો પરિહાર કરીને તે ફરી સ્વરૂપમાં લીન થાય છે તેનું નામ
પરિહારવિશુદ્ધિ છે.
અહીં અમૃતચંદ્ર આચાર્યકૃત તત્ત્વાર્થસારનો દાખલો આપ્યો છે. ‘જ્યાં પ્રાણીઓના
ઘાતનો વિશેષપણે ત્યાગ હોય અને ચારિત્રની વિશુદ્ધિ હોય તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર
કહેવાય છે.
હવે યથાખ્યાતચારિત્રની વ્યાખ્યા આપે છે.
सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु ।
सो सुहुमु वि चारित्त मुणि, सो सासय–सुह–धामु ।। १०३।।
સૂક્ષ્મ લોભના નાશથી, જે સુક્ષમ પરિણામ;
જાણો સૂક્ષ્મ-ચરિત્ર તે, જે શાશ્વત સુખધામ. ૧૦૩.
યથાખ્યાતચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર અર્થાત્ ઉત્કૃષ્ટ ચારિત્ર. યથાખ્યાત એટલે
અંતરસ્વભાવમાં જેવું અકષાય-અવિકારી, વીતરાગ સમભાવસ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે
તેવું જ પર્યાયમાં યથાર્થમાં પ્રસિદ્ધ થવું તેને યથાખ્યાત નામનું વીતરાગ ચારિત્ર કહેવાય
છે અને તે ચારિત્ર જ અવિનાશી સુખનું સ્થાન છે.