૨૨૬] [હું
મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શન શુદ્ધિ;
તે પરિહાર વિશુદ્ધિ છે, શીઘ્ર લહો શિવસિદ્ધિ. ૧૦૨.
અહીં મુનિરાજે અધ્યાત્મથી પરિહારવિશુદ્ધિની વ્યાખ્યા કરી છે કે જેણે મિથ્યાત્વ,
અવ્રત, કષાય આદિનો પરિહાર કરીને સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રગટ કરી છે તેને
પરિહારવિશુદ્ધિ છે.
અનાદિથી જે સ્વભાવનો અનાદર કરતો હતો અને પુણ્ય-પાપ આદિનો જ
એકાન્તે આદર કરતો હતો તેને છોડીને હવે જે પરમાનંદસ્વરૂપ નિજ આત્મ-
સ્વભાવનો આદર-સત્કાર કરે છે એટલે કે સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રગટ કરે છે તેને
પરિહારવિશુદ્ધિ છે.
અષ્ટપાહુડમાં સમ્યગ્દર્શન ઉપર જોર દેતો એક શ્લોક આવે છે કે ‘સમકિતમાં
પરિણત થયેલો આઠ કર્મ નાશ કરે છે.’ સ્વરૂપ જે પૂરણ...પૂરણ શ્રદ્ધા થઈ છે તેના
વલણમાં તેનું ને તેનું પરિણમન ચાલતાં આઠેય કર્મોનો નાશ થઈ જાય છે.
તેમ અહીં કહે છે કે ભગવાન પરમાનંદસ્વરૂપમાં-અનંત ગુણના ગોદામમાં થાપ
મારીને જ્યાં સ્વરૂપનો આદર પ્રગટ કરે છે ત્યાં બીજા સર્વ ભાવોનો પરિહાર થઈ જાય
છે. મિથ્યાત્વના પરિહાર ઉપરાંત રાગ-દ્વેષનો પણ જ્યાં પરિહાર થયો એટલે કે ત્યાગ
થયો-અભાવ થયો અને સ્વરૂપની પ્રતીતિ-જ્ઞાન અને સ્થિરતા પ્રગટ થઈ તેને અહીં
‘પરિહારવિશુદ્ધિ’ નામનું ચારિત્ર કહ્યું છે. અહીં પણ સમ્યગ્દર્શન ઉપર વધારે જોર
આપ્યું છે. કેમ કે સમ્યગ્દર્શન વિના ધર્મમાં એક ડગલું પણ આગળ ચાલી શકાતું નથી.
જેને દ્રષ્ટિમાં નિજ પરમાત્મસ્વરૂપનો ભેટો થયો તેને ખરેખર શ્રદ્ધા-જ્ઞાનમાં
પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે.
દિગંબર આચાર્યોએ ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન વિધિએ આત્માને
ગાયો છે. અહીં અધ્યાત્મથી ‘પરિહારવિશુદ્ધિ’ નો શબ્દાર્થ કર્યો છે. ખરેખર પરિહાર-
વિશુદ્ધિ તો મુનિને હોય છે પણ અહીં સમ્યગ્દર્શનની શુદ્ધિ અને મિથ્યાત્વાદિના
પરિહારને ‘પરિહારવિશુદ્ધિ’ કહી દીધી છે.
સમ્યગ્જ્ઞાનીને પરિહારવિશુદ્ધિ એ રીતે છે કે તેને સ્વભાવમાં આદરમાં બહારના
કોઈ પદાર્થની વિસ્મયતા લાગતી નથી. પદાર્થની યથાર્થ સ્થિતિના જ્ઞાનને લીધે તેને
કોઈ પદાર્થમાં વિસ્મયતા કે ખેદ થતો નથી, તેથી છએ દ્રવ્યના મૂળ ગુણ અને પર્યાયના
સ્વરૂપને કેવળજ્ઞાનીની જેમ શંકા રહિત યથાર્થ જાણે છે. જ્ઞાનીને શ્રુતજ્ઞાન છે તેથી
પરોક્ષ જ્ઞાન છે પણ પરોક્ષ રીતે, કેવળજ્ઞાની જેટલું અને જેવું જાણે છે તેટલું અને તેવું
જ જ્ઞાની જાણે છે પણ ક્યાંય વિસ્મયતા લાગતી નથી.
અહાહાહા! આત્માના એક જ્ઞાન ગુણની એક પર્યાયની કેટલી તાકાત છે કે એક
સમયમાં દરેક દ્રવ્યને તેના અનંત ગુણ પર્યાય સહિત જાણી લે છે. એક શ્રદ્ધાની પર્યાય
એવી છે કે તે બધાની શ્રદ્ધા કરી લે છે. આવી તો એક પર્યાયની તાકાત છે તો
આત્માની કેટલી તાકાત? આવા આત્માને જે જાણે તેણે ખરેખર આત્માને જાણ્યો
કહેવાય. જ્ઞાની આવા ભગવાન આત્માને કેવળજ્ઞાનીની જેમ નિઃશંકપણે જાણે છે.