૨૩૦] [હું
પણ તું સર્વજ્ઞસ્વભાવી છો, દશામાં ભલે અલ્પદર્શન હો પણ સર્વદર્શિત્વ સ્વભાવ
અંદરમાં છે, પર્યાયમાં ભલે અલ્પવીર્ય છે પણ આત્મા અનંતવીર્યનું ધામ છે, પર્યાયમાં
રાગ-દ્વેષની વિપરીતતા હોવા છતાં આત્મા વીતરાગ આનંદનો કંદ છો. તું નાનો નથી
ભાઈ! તું મોટો છો. તું પોતે અર્હંતસ્વરૂપે બિરાજમાન છો વિશ્વાસ કર!
આત્મદરબારમાં અનંતા...અનંતા ગુણો સદાય શક્તિરૂપે બિરાજમાન છે. તે એક
એક ગુણની અનંત પર્યાય તો છે પણ તેની શક્તિ પણ અનંત છે. ભાઈ! આવો જ
વસ્તુનો સ્વભાવ છે કાંઈ કલ્પનાથી વાત વધારીને તને કહેતાં નથી. વસ્તુ જેવી છે
તેવી તને કહીએ છીએ.
મુનિરાજ કહે છે સિદ્ધનું ધ્યાન કર! એટલે કે તારા સિદ્ધસ્વરૂપનું ધ્યાન કર-તેમાં
એકાગ્રતા કર! એટલે કે સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્ર પ્રગટ કર!
તું આચાર્યનું ધ્યાન કર! અંતરમાં પંચાચારનું પાલન કરવું તે આચાર્યપણું છે.
બહારમાં શિષ્યોને શિક્ષા-દીક્ષા દેવાના ભાવ આવે તે આચાર્યપણું નથી. એ તો રાગ છે.
આચાર્ય તે વીતરાગીપર્યાયે પરિણમેલું પદ છે. એવી પર્યાયો પણ તારા અંતરમાં છે માટે
તું આચાર્યનું ખરું સ્વરૂપ ઓળખી તેમાં લીન થઈ જા, તો તું પોતે આચાર્ય બની
જઈશ. ઉપાધ્યાય સ્વરૂપ પણ તું જ છો ભાઈ! વીતરાગી દ્રવ્ય, વીતરાગી ગુણ અને
ગુણસ્થાન પ્રમાણે પ્રગટેલી વીતરાગી પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાધ્યાય છે. એવા
ઉપાધ્યાય સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું.
જે પૂર્ણ સ્વભાવને સાધે છે તે ‘સાધુ’ છે. સાધુને ૨૮ મૂળગુણનો રાગ છે પણ
તે રાગ સ્વભાવને સાધતો નથી. સ્વભાવને સાધે એવી વીતરાગી પર્યાય તું પ્રગટ કર!
કાલે રાત્રે સરસ પ્રશ્ન થયો હતો કે કેવળી કોનું ધ્યાન કરે છે? કેવળીને તો મોહ
નથી અને પદાર્થોનું જ્ઞાન પૂરું છે તો ધ્યાન કોનું? ભાઈ! એ તો અનંત અતીન્દ્રિય
આનંદને અનુભવે છે ને! એ જ તેનું ધ્યાન કહો કે અનુભવ કહો, એક જ છે.
પ્રવચનસારની જ્ઞેય અધિકારની છેલ્લી ગાથાઓમાં આ વાત આવે છે.
આ બધી સત્ વસ્તુની વાત છે, કલ્પના નથી. ષટ્ખંડાગમમાં પહેલી જ વાત
લખી છે કે’ સત્પદ્ પ્રરૂપણા’ જે છતા-સત્ પદાર્થ છે તેનું વાણીમાં કથન કરીએ છીએ.
ભગવાન આત્મા અકષાય વીતરાગરસથી ભરપૂર છે તેથી તેની પ્રાપ્તિ પણ
વીતરાગદશા દ્વારા જ થાય છે. રાગથી વીતરાગસ્વભાવ પ્રાપ્ત ન થાય. આત્મા
પંચપરમેષ્ઠી સ્વરૂપ છે તેથી આત્માનું ધ્યાન કરતાં તેમાં પાંચેય પરમેષ્ઠીનું ધ્યાન
ગર્ભીત છે.
અર્હંતનું લક્ષ કરતાં સમવસરણ અને વાણી આદિ લક્ષમાં ન લેતાં વીતરાગી
પર્યાયરૂપે પરિણમેલું અર્હંતનું દ્રવ્ય લક્ષમાં લેવું. સિદ્ધ તો પરિપૂર્ણ જેવું દ્રવ્ય છે તેવી જ
પર્યાયે પરિણમેલા છે, તેનું લક્ષ કરવું. આચાર્યનું લક્ષ કરતાં તેમનાં વિકલ્પ, વાણી અને
રાગથી રંજિત પરિણામ લક્ષમાં ન લેવા, પણ તેનો આત્મા જે વીતરાગી પર્યાયરૂપે
પરિણમેલો છે