૨૩૮] [હું
યોગીન્દુ મુનિરાજ કહે છે કે મને ભવભ્રમણનો ભય છે. જુઓ! પહેલાંનાં સંતો
પણ ભવભીરૂ હતા. ત્રણજ્ઞાનના ધણી તીર્થંકર જેવા પણ સંસારને પૂંઠ દઈને ભાગ્યા છે,
જેમ પાછળ વાઘ આવતો હોય ને માણસ કેવો ભાગે? તેમ સંતો ભવભ્રમણના ભાવથી
ભાગ્યા છે.
સંયોગો અનુકૂળ હોય તો મને મજા, પ્રતિકૂળતા હોય તો મને દુઃખ, શુભભાવમાં
લાભ છે, એવા જે ભાવ છે તે મિથ્યાત્વનું ગાંડપણ છે. તેમાં જીવ પોતાના અતીન્દ્રિય
સુખને ઓળખી શક્તો નથી અને ઇન્દ્રિયસુખનો જ લોલુપી રહે છે. તેથી ઇન્દ્રિય
વિષયોની અનુકૂળ સામગ્રીમાંથી પ્રેમ છૂટતો નથી અને તેની પ્રતિકૂળ સામગ્રીમાંથી દ્વેષ
છૂટતો નથી. આમ મિથ્યાદ્રષ્ટિ જ્ઞેયના બે ભાગ પાડીને રાગ-દ્વેષ કરે છે, જાણનાર
રહેતો નથી તેથી દુઃખી થાય છે.
બહારની અનુકૂળતામાં ઉલ્લસિત વીર્ય છે તે આત્માનો રોગ છે. તે રોગ
ટાળવાનો ઉપાય તે આત્માનું શરણ છે. આચાર્ય કહે છે મને સંસારનો ભય છે, મને
રાગ-દ્વેષ વિકારનો ભય છે. હું તેમાં પડવા માંગતો નથી. હું તો રાગ-દ્વેષ રહિત
સ્વભાવમાં રહેવા માંગું છું.
આત્મિક આનંદનો જ ભોગવટો કરવા જેવો છે. નિરાકુળ અતીન્દ્રિય સુખ જ
ભોગવવા લાયક છે એવી શુદ્ધ આત્માની ભાવના કરીને આચાર્યે પોતાના આત્માનું
હિત કર્યું છે અને શબ્દોમાં ભાવોની સ્થાપના કરીને જે દોહાની રચના કરી છે તે
પાઠકોના ઘણા ઉપકારનું નિમિત્ત છે.
આ ગ્રંથની વાત પૂરી થઈ. હવે સમયસારનો ત્રીજો કળશ આપ્યો છે તેમાં
અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે પર્યાયમાં નિમિત્તનું લક્ષ હોવાથી મારી પરિણતિ અનાદિથી
કલ્માષિત મેલી છે તે આ ટીકા કરતાં શુદ્ધ થઈ જાઓ એવી મારી ભાવના છે. સ્વરૂપ
તરફના વલણથી મારી પરિણતિ વીતરાગી થઈ જાય, પરમ શાંતરસથી વ્યાપ્ત થઈ જાય,
સમભાવમાં તન્મય થઈ જાય અને સંસારમાર્ગથી છૂટી મોક્ષમાર્ગીર્ થઈ જાય એવી
ભાવના છે. ટીકાના કાળમાં મારો આત્મા આવી ભાવના રાખે છે.
મંગલમય અરહંતકો, મંગલ સિદ્ધ મહાન,
આચારજ, પાઠક, યતિ, નમૂં નમૂં સુખદાન.
પરમ ભાવ પરકાશકા કારણ આત્મવિચાર,
જિંહ નિમિત્તસે હોય સો વંદનિક વારંવાર.
પાંચેય પરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. તેમને હું નમસ્કાર કરું છું. આત્માનો અનુભવ
તે પરમભાવનો પ્રકાશ કરવાનું કારણ છે, તેમાં જે નિમિત્ત છે તેમને હું વારંવાર વંદું
છું-એમ કહીને ગ્રંથ પૂરો કર્યો છે. [સમાપ્ત]
શ્રી યોગસાર રહસ્ય પ્રકાશનહાર, અધ્યાત્મ યોગી, અતીન્દ્રિય જ્ઞાન-આનંદ-
ભોગી શ્રી સદ્ગુરુદેવનો જય હો...જય હો.
સમાપ્ત