પરમાત્મા] [૨૩૭
એવા ઉત્પાદ-વ્યય તે વ્યવહારનયનો વિષય છે અને તે બન્ને સાથે હોય તે પ્રમાણનો
વિષય છે.
બીજના ચંદ્રમાની માફક ચોથા ગુણસ્થાને અંશે અનુભવ હોય છે તે વધતો
વધતો પૂનમના ચંદ્રની માફક પૂર્ણ અનુભવને પ્રાપ્ત થાય છે. આવો મોક્ષમાર્ગ સાધકને
વર્તમાનમાં આનંદદાયક છે અને ભવિષ્યમાં પણ અનંત સુખનું કારણ છે. સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર ત્રણેય આનંદમૂર્તિ છે. તે વર્તમાન આનંદદાયક છે અને ભવિષ્યમાં અનંત
આનંદદાયક છે.
હવે અંતિમ ૧૦૮ માં શ્લોકમાં ગ્રંથકર્તા પોતાની ભાવના વર્ણવે છે.
संसारह भय भीयएण जोगिचन्द–मुणिएण ।
अप्पा–संबोहण कया दोहा इक्क–मणेण ।। १०८।।
સંસારે ભયભીત જે, યોગીન્દુ મુનિરાજ;
એકચિત્ત દોહા રચે, નિજ સંબોધન કાજ. ૧૦૮.
શરૂઆતના શ્લોકમાં કહ્યું હતું કે ભવભીરૂ જીવોના સંબોધન માટે હું આ કાવ્ય
રચું છું અને અહીં કહ્યું છે કે મારા આત્માના સંબોધન માટે મેં આ રચના કરી છે કે હે
આત્મા! તું પરમાનંદમૂર્તિ છો તેમાં સ્થિર થા...તેમાં સ્થિર થા...તેમાં સ્થિર થા. દ્રષ્ટિ
અને જ્ઞાન તો થયા છે પણ હવે તેમાં પૂર્ણપણે સ્થિર થા. એવા સંબોધન માટે મેં આ
શાસ્ત્ર રચ્યું છે એમ આચાર્યદેવે લીધું છે.
જેને ચારગતિરૂપ સંસારનો ભય લાગ્યો છે તેને માટે આ વાત છે ભાઈ!
દુઃખનો ડર લાગ્યો છે તેને માટે ન લખ્યું પણ સંસાર શબ્દે ચારેય ગતિનો જેને થાક
લાગ્યો હોય તેને માટે આ વાત છે. એકલા દુઃખથી કંટાળે છે તેને તો દ્વેષ છે, તેને
દેવગતિના સુખની ઇચ્છા છે, તેને માટે આ વાત નથી.
ભગવાન આત્માના આનંદની બહાર નીકળતાં જે શુભાશુભભાવ થાય તેનું ફળ
સંસાર છે તે બધો સંસાર દુઃખરૂપ છે. સર્વાર્થસિદ્ધિના ભવનો ભાવ પણ દુઃખરૂપ છે.
યોગીન્દ્રદેવે પોતાના આત્માના સંબોધન માટે આ દોહાની રચના કરી છે એમ
નિમિત્તથી કથન છે. દોહાના રજકણના સ્કંધની ક્રિયા તો સ્વતંત્ર તેનાથી થઈ છે, તેના
કર્તા મુનિરાજ નથી. એમ મુનિરાજ પોતે જ પોકારીને કહે છે, પણ તે દોહા રચાયા
ત્યારે મારો વિકલ્પ નિમિત્ત હતો એમ અહીં કહે છે ખરેખર તો એ વિકલ્પમાં પણ હું
નથી; મને તો તેનું માત્ર જ્ઞાન થયું છે. સ્વ-પરની વાર્તા કરવાની તાકાત શબ્દમાં છે,
મારા ભગવાન આત્માના ભાવ તો તેને અડતા પણ નથી.
ત્રણકાળ ત્રણલોકમાં ભગવાન આત્માનો સ્વભાવ એકરૂપ છે. વિકાર કરવાનો
પણ સ્વભાવમાં કોઈ ગુણ નથી. રાગનો અને પરનો આત્મા અકર્તા અને અભોક્તા છે.
એવો જ તેનામાં અકર્તૃત્વ અને અભોકતૃત્વ નામનો ગુણ છે. જો રાગને કરવા-
ભોગવવાનો આત્મામાં ગુણ હોય તો તો ત્રણકાળમાં ક્યારેય આત્માની મુક્તિ ન થાય.
સમ્યગ્દર્શન પણ ન થાય.