Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 238
PDF/HTML Page 67 of 249

 

background image
પ૬] [હું
ગુણોથી ભરેલો પરિપૂર્ણ આત્મા તું છો. તને તું જો ને આત્મા જાણ ને માન, મારી
સામે જોવું રહેવા દે-એમ ભગવાન કહે છે. રર.
હવે એ ભગવાન આત્મા કયા સ્થળે બિરાજી રહ્યો છે? એનું ક્ષેત્ર ક્યાં? એનું
ઘર કયું? એ બતાવે છેઃ-
सुद्ध–पएसहं पूरियउं लोयायास–पमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ર૩
આ શરીર તો જડ માટીનો પિંડલો છે, અંદર રાગ-દ્વેષના પરિણામ થાય એ
કાંઈ આત્મા નથી, કર્મના રજકણ એ કાંઈ આત્મા નથી, ભગવાન આત્મા અસંખ્ય
પ્રદેશી સ્થળમાં રહેલો છે, એવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડયા છે. ક્ષેત્ર શું કામ
બતાવે છે?-કે કોઈ કહે કે લોકવ્યાપક આત્મા છે, તો એમ નથી. ભગવાન આત્મા
દેહ-પ્રમાણે દેહથી ભિન્ન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પોતાના અસંખ્ય પ્રદેશમાં
બિરાજી રહ્યો છે, રાગમાં કે ક્યાંય બિરાજતો નથી.
આહાહા! જ્યાં હોય ત્યાં ‘શીઘ્ર લહો નિર્વાણ’ આવે છે! મોક્ષ કર, મોક્ષ કર,
મોક્ષ તો તારું ઘર છે. આહાહા! સંસારમાં રખડીને મરી ગયો! ૮૪ લાખ યોનિમાં
સોથા નીકળી ગયા તો ય તેને મૂકવાનો વિચાર નથી આવતો? ઘરે તો આવ! તારા
ઘરે તો બાપુ તું આવ! પરઘર રખડી રખડીને મરી ગયો! તારું ઘર ક્યાં છે?-કે જે
અસંખ્ય પ્રદેશનું શુદ્ધ અરૂપી દળ છે, જે અસંખ્ય પ્રદેશ રત્ન સમાન શુદ્ધ નિર્મળ છે, જે
ક્ષેત્રમાં અનંતા અનંતા ગુણો બિરાજે છે, એ તારું ઘર છે ભાઈ!
અસંખ્ય પ્રદેશ એ આત્માનું સ્થળ-ક્ષેત્ર છે. એક એક પ્રદેશ પૂર્ણાનંદ નિર્મળાનંદથી
ભરેલાં છે, જેમાં અનંત આનંદ પાકે એવું એનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છે. તારું અસંખ્ય
પ્રદેશનું ક્ષેત્ર એવું છે કે અનંત કેવળજ્ઞાન ને અનંત આનંદ પાકે! સિદ્ધની પર્યાય પાકે એ
આત્મા છે, સંસાર પાકે એ આત્મા નહિ, રાગ-દ્વેષ પાકે એ આત્મક્ષેત્ર નહિ! ભગવાન
આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, જેમાં અનંત ગુણ બિરાજમાન છે, એવો અસંખ્ય પ્રદેશી
ભગવાન બિરાજે છે ત્યાં નજર કર, એ ક્ષેત્રમાં નજર કર, ધ્યાન કર, તો અલ્પકાળમાં
કેવળજ્ઞાનરૂપી નિર્વાણદશા પ્રાપ્ત થાય, બીજી રીતે પ્રાપ્ત થાય એમ નથી.