Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 66 of 238
PDF/HTML Page 77 of 249

 

background image
૬૬] [હું
વાણી નીકળે ને ઇન્દ્રો પણ સાંભળવા આવે, એ જિનદેવને ને આત્માને કાંઈ સંબંધ છે
નહિ. તું પોતે સાચો જિન છે. વસ્તુરૂપે વીતરાગબિંબ ભગવાન છે. એને જાણ ને
અનુભવ-એટલું બસ! આવા આત્માને જિન તરીકે સ્વીકાર! વીતરાગીબિંબ પ્રભુ
આત્મા હું પોતે છું-એમ તું તને અનુભવ. જો રાગ, વાણી, વાંચન, લેવું, દેવું, કે
પુણ્યપ્રકૃતિમાં ક્યાંય અધિકાઈ મનાઈ ગઈ તો તેં જિનસ્વરૂપ આત્મામાં, અધિકાઈ
માની નથી.
ભગવાન જિનસ્વરૂપ પોતે જ છે, તેમાં જિનસ્વરૂપ સિવાય જેટલા બોલ ઊઠે
તેમાં અધિકતા થઈ જાય અથવા બીજાને આવું હોય તેને અધિક માને તે ભૂલમાં પડયો
છે. ભગવાન આત્મા જિન એટલે કે સંસારવિજયી જિનેન્દ્ર છે. વિકલ્પ અને એના
અભાવસ્વરૂપ જિનેન્દ્ર છે. અરે! શાસ્ત્રના ભણવાના ભાવથી પણ મુક્ત એવો જિનેન્દ્ર
છે. એવા જિનેન્દ્ર પ્રભુનું નિર્વિકલ્પ દ્રષ્ટિથી ધ્યાન કરવું, નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા જ્ઞેય
કરવો ને એમાં ઠરવું તે શિવલાભનો હેતુ છે.
ભગવાન આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ છે, સંપૂર્ણજ્ઞાનનો ધણી છે, પૂરણ નિરાવરણ
જ્ઞાનનો પિંડ છે. જે જ્ઞાન પરથી આવતું નથી એવા સ્વતઃ જ્ઞાનનો પિંડ છે. ચૈતન્યનો
પુંજ ભગવાન નિરાવરણ કેવળજ્ઞાનના સ્વભાવવાળો જ છે. શરીર તો નહિ, રાગ તો
નહિ પણ અપૂરણ પણ નહિ, એકલો પૂરણ જ્ઞાનસ્વભાવ તે ભગવાન છે. ચાર જ્ઞાનનો
વિકાસ તે ખરેખર આત્મા નહિ, પૂરણ જ્ઞાનસ્વભાવ તે આત્મા.
ચૌદ પૂર્વની રચના કરનાર ગણધરદેવની કેટલી અધિકતા!-કે ના, એકલો
જ્ઞાનસ્વભાવ છે તેમાં આ રચવું ને આ વિકલ્પ વસ્તુમાં છે જ ક્યાં? ચાર જ્ઞાનની
ઉઘડેલી પર્યાય છે તે પણ ખરેખર આત્મા નથી; ખરેખરો આત્મા નથી પણ વ્યવહાર
આત્મા છે. એવો કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે. આને આત્મા કહીયે. આ સિવાય
ઓછું, અધિક વિપરીત નાખે તે આત્માને જાણતો નથી.
રાત-દિવસ એટલે કે હંમેશા આવા આત્માનું મનન કરો. જગનું કલ્યાણ કરવા
માટે-પ્રભાવના થતી હોય તો એકાદ બે ભવ ભલેને વધારે થાય?-એમ કોઈક કહે છે. પણ
ભાઈ! એકાદ બે નહિ પણ ચોકખા અનંતા ભવ થશે. એક પણ ભવના ભાવની ભાવના
કરે છે તેને અનંતા નિગોદના ભવ એના કપાળમાં પડયા છે! જગતનું કલ્યાણ કરે કોણ?
વિકલ્પ કરે કોણ? વિકલ્પ વસ્તુમાં નથી ને એ વિકલ્પ આવ્યો તે તો અનાત્મસ્વરૂપ
નુકશાનકારક છે અને એનાથી જે સ્વને લાભ માને તે આત્માને જાણતો નથી.
માટે આવો ભગવાન આત્મા અંતરમાં નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રથી
અનુભવવો. બસ, એ જ આત્માનું સ્વરૂપ ને મોક્ષના લાભનો હેતુ છે. બાકી વાતો છે.
શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ આત્માને હંમેશા એક ધારાવાહી
અનુભવવો-જો શિવલાભ ચાહતા હો તો. ૨૬.
હવે ૨૭ મી ગાથામાં કહે છે કે નિર્મળ આત્માની ભાવના કરવાથી મુક્તિ થશે.