Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 78 of 238
PDF/HTML Page 89 of 249

 

background image
૭૮] [હું
અહા! ત્રણલોકમાં સાર વસ્તુ જો કોઈ હોય તો મોક્ષના કારણરૂપ એક
નિશ્ચયચારિત્ર છે. સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન મોક્ષના કારણરૂપ તો છે જ. પણ અહીંયા
ઉત્કૃષ્ટ વાત લેવી છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત સ્વરૂપનો આશ્રય કરીને સ્થિરતા-
વીતરાગતા-નિર્વિકલ્પતા-શાંતિની ઉગ્રતા પ્રગટ કરવી તે નિશ્ચયચારિત્ર છે કે જે
ત્રણલોકમાં સાર છે.
અહીં કહે છે કે મોક્ષનું કારણ એક છે પણ બે નહિ. પં. ટોડરમલજીએ પણ
મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે મોક્ષનું કારણ બે નથી પણ કથન બે
પ્રકારે છે ને જો બે મોક્ષમાર્ગ માને છે તો ભ્રમ છે. આત્માની પૂર્ણ પવિત્ર વીતરાગ
દશા-કેવળજ્ઞાન, આત્માના આશ્રયે નિશ્ચયચારિત્રથી જ પ્રગટે છે. કેમકે વ્યવહારના
વિનય, ભક્તિ આદિ ભાવ તો પરાશ્રિત છે. છતાં તે હોય છે. પૂર્ણ વીતરાગતા ન હોય
ત્યાં સુધી તે હોય છે, તોપણ, તે વ્યવહાર સાર નથી સાર તો નિશ્ચયચારિત્ર છે.
આત્મા શ્રદ્ધા-જ્ઞાન-શાંતિથી જ્યારે પોતાનું સ્વરૂપ સાધે છે ત્યારે આવો વ્યવહાર
સાથે હોય છે, વિનય, સ્વાધ્યાય આદિ ભાવ હોય છે. પણ તેનું ફળ પુણ્ય-સ્વર્ગનું
બંધન છે. સમકિતીને પણ તેનું ફળ સ્વર્ગ છે.-અહા! આમ કહીને વ્યવહારનું જ્ઞાન
કરાવ્યું-વ્યવહાર છે તેમ જણાવ્યું. પણ પછી ઉડાડી દીધો. કેમકે તેની કિંમત છે નહિ.
અહા! આ તો યોગસાર છે, એટલે કે સ્વરૂપની એકાગ્રતાના જોડાણનો સાર-
મોક્ષમાર્ગનો સાર છે. શુદ્ધ પરમાનંદની મૂર્તિ ભગવાન આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને
રમણતા તે એક જ સાર છે, ને તે એક જ મોક્ષનો મારગ છે.
જેવું કાર્ય-સાધ્ય હોય છે તેવું જ તેનું કારણ-સાધન હોય છે-એવો નિયમ છે.
તો, કાર્ય નિર્મળ છે તો તેનું સાધન પણ નિર્મળ હોય છે. હવે વ્રતાદિ તો મલિન છે.
માટે સાધન મલિન છે ને સાધ્ય નિર્મળ થાય એમ બને નહિ. તે યથાર્થ ઉપાય નથી.
પણ પરમ મોક્ષદશાનું કારણ પણ પવિત્રતાના પરિણામ એવા નિશ્ચય સ્વસંવેદન નિશ્ચય
રત્નત્રય છે ને તે એક જ ઉપાય છે. પણ બીજો કોઈ ઉપાય નથી.
વ્યવહારનું પાળવું તે રાગ છે, ને રાગને કરીને કોઈ માને કે હું શ્રાવક છું ને
મુનિ છું તો મૂઢ છે. શું તે શ્રાવકપણું ને મુનિપણું છે? તે તો બંધનું કારણ છે.
વ્યવહારની ક્રિયામાં શ્રાવકપણું કે મુનિપણું ક્યાંથી આવ્યું? મુનિપણું ને શ્રાવકપણું તો
શુદ્ધાત્માનો અનુભવ કરવો તે છે ને તે જૈનધર્મ છે. આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-
આચરણ સ્વરૂપ અનુભવ, તે એક જ મોક્ષનો મારગ છે ને તે ચોથે ગુણસ્થાનથી શરૂ
થાય છે.
અહા! નિશ્ચય છે તો વ્યવહાર છે કે વ્યવહાર છે તો નિશ્ચય છે તેમ નથી. પણ
બન્ને સ્વતંત્ર છે. સ્વાશ્રયપણું ભિન્ન છે ને પરાશ્રયપણું પણ ભિન્ન છે. અને ખરેખર તો,
શુદ્ધ ચૈતન્યમય આત્માનું જ્ઞાન થતાં સમ્યગ્દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત જ છે. જેમ પરદ્રવ્ય છે
તેમ વ્યવહાર છે ખરો. પણ તે જ્ઞાનીમાં નથી. તેનાથી તે મુક્ત છે.
શ્રી ‘સમયસાર’ માં કહ્યું છે ને કે આ શરીર મૃતક કલેવર છે. તેમ સમ્યગ્દર્શન