અધિકાર પાંચમો
અન્યમત નિરાકરણ
બહુવિધિ મિથ્યા ગહનથી, મલિન થયા નિજ ભાવ;
અભાવ થતાં એ હેતુનો,૧ સહજરૂપ દર્શાવ.
પૂર્વોક્ત પ્રકારે અનાદિ કાળથી આ જીવ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ પરિણમી રહ્યો
છે, જેથી સંસારમાં દુઃખ સહન કરતો કરતો કોઈ વેળા મનુષ્યાદિ પર્યાયોમાં વિશેષ શ્રદ્ધાનાદિ
કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. હવે ત્યાં જો મિથ્યાશ્રદ્ધાનાદિકનાં વિશેષ કારણો વડે એ જ
મિથ્યાશ્રદ્ધાનાદિકને પોષણ કરે તો તે જીવનું દુઃખમુક્ત થવું અતિ દુર્લભ થઈ પડે છે.
જેમ કોઈ રોગી કંઈક સાવધાનતા પામીને પણ જો કુપથ્ય સેવન કરે તો તેનું રોગમુક્ત
થવું અત્યંત કઠણ થઈ પડે છે; તેમ મિથ્યાત્વાદિ રોગ સહિત આ જીવ પણ કંઈ જ્ઞાનાદિશક્તિ
પામીને પણ જો વિશેષ વિપરીતશ્રદ્ધાનાદિનાં કારણોનું સેવન કરે તો તેનું સંસારરોગથી મુક્ત
થવું કઠણ જ થઈ પડે.
તેથી જેમ વૈદ્ય કુપથ્યનાં વિશેષો બતાવી તેના સેવનનો નિષેધ કરે છે તેમ અહીં પણ
વિશેષ મિથ્યાશ્રદ્ધાનાદિકનાં કારણોનાં વિશેષો બતાવી તેનો નિષેધ કરીએ છીએ.
અનાદિકાળથી જે મિથ્યાત્વાદિક ભાવ વર્તે છે તે અગૃહીતમિથ્યાત્વાદિ જાણવા, કારણ
કે તે નવીન ગ્રહણ કરેલા નથી. તથા તેને પુષ્ટ કરવાના કારણરૂપ જે વિશેષ મિથ્યાત્વાદિભાવ
થાય છે તે ગૃહીતમિથ્યાત્વાદિક જાણવાં. અગૃહીતમિથ્યાત્વાદિકનું વર્ણન તો પૂર્વે કરી ગયા એ
જ પ્રમાણે સમજવું. હવે અહીં ગૃહીતમિથ્યાત્વાદિકનું નિરૂપણ કરીએ છીએ.
✾ ગૃહીતમિથ્યાત્વનું નિરાકરણ ✾
કુદેવ, કુગુરુ, કુધર્મ તથા કલ્પિત તત્ત્વોનું શ્રદ્ધાન કરવું એ મિથ્યાદર્શન છે, તથા જેમાં
વિપરીત નિરૂપણ દ્વારા રાગાદિભાવોને પોષવામાં આવ્યા હોય એવાં કુશાસ્ત્રોનો શ્રદ્ધાનપૂર્વક
અભ્યાસ કરવો એ મિથ્યાજ્ઞાન છે, તથા જે આચરણમાં કષાયનું સેવન થતું હોય છતાં તેને
ધર્મરૂપ અંગીકાર કરવું તે મિથ્યાચારિત્ર છે.
હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ.
ઇંદ્ર, લોકપાલ, અદ્વૈતબ્રહ્મ, રામ, કૃષ્ણ, મહાદેવ, બુદ્ધ, ખુદા, પીર, પેગંબર ઇત્યાદિ.
૧. ‘‘તેથી આપ સમ્હારીને’’ અહીં આવો પણ લાહોરવાળી પ્રતમાં પાઠ છે. — અનુવાદક.
૯૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક