તેમ બ્રહ્માદિક પોતે કામક્રોધરૂપ ચેષ્ટા કરી પોતાના નીપજાવેલા લોકોમાં પ્રવૃત્તિ કરાવે અને
એ લોકો તેમ પ્રવર્તે ત્યારે તેમને નરકાદિકમાં નાખે, કારણ કે – એ ભાવોનું ફલ નરકાદિક જ
શાસ્ત્રોમાં લખ્યું છે. તો એવા પ્રભુને ભલો કેમ મનાય?
વળી તે ‘‘ભક્તોની રક્ષા અને દુષ્ટોનો નિગ્રહ કરવો’’ એ પ્રયોજન કહ્યું. પરંતુ
ભક્તજનોને દુઃખદાયક જે દુષ્ટો થયા તે પરમેશ્વરની ઇચ્છાથી થયા કે ઇચ્છા વિના થયા?
જો ઇચ્છાથી થયા તો જેમ કોઈ પોતાના સેવકને પોતે જ કોઈને કહી મરાવે અને વળી પછી
તે મારવાવાળાને પોતે મારે તો એવા સ્વામીને ભલો કેમ કહેવાય? તેમ જે પોતાના ભક્તોને
પોતે જ ઇચ્છાવડે દુષ્ટો દ્વારા પીડિત કરાવે અને પછી એ દુષ્ટોને પોતે અવતાર ધારી મારે
તો એવા ઈશ્વરને ભલો કેમ કહેવાય?
તું કહીશ કે — ‘‘ઇચ્છા વિના દુષ્ટો થયા’’ તો કાં તો પરમેશ્વરને એવું ભવિષ્યનું જ્ઞાન
નહિ હોય કે – મારા ભક્તોને દુષ્ટો દુઃખ આપશે, અગર પહેલાં એવી શક્તિ નહિ હોય કે –
તેમને એવા થવા જ ન દે. વળી એવાં કાર્ય માટે તેણે અવતાર ધાર્યો, પણ શું અવતાર ધાર્યા
વિના તેનામાં શક્તિ હતી કે નહોતી? જો શક્તિ હતી તો અવતાર શા માટે ધાર્યો? તથા
જો નહોતી તો પાછળથી સામર્થ્ય થવાનું કારણ શું થયું?
ત્યારે તે કહે છે કે — ‘‘એમ કર્યા વિના પરમેશ્વરનો મહિમા કેમ પ્રગટ થાય?’’ તેને
અમે પૂછીએ છીએ કે – પોતાના મહિમા માટે પોતાના અનુચરોનું પાલન કરે તથા પ્રતિપક્ષીઓનો
નિગ્રહ કરે એ જ રાગ – દ્વેષ છે અને રાગ – દ્વેષ તો સંસારી જીવોનું લક્ષણ છે. હવે જો
પરમેશ્વરને પણ રાગ – દ્વેષ હોય છે તો અન્ય જીવોને રાગ – દ્વેષ છોડી સમતાભાવ કરવાનો
ઉપદેશ શા માટે આપે છે? વળી તેણે રાગ – દ્વેષ અનુસાર કાર્ય કરવું વિચાર્યું પણ થોડો વા
ઘણો કાળ લાગ્યા વિના કાર્ય થાય નહિ, તો એટલો કાળ પણ પરમેશ્વરને આકુલતા તો થતી
જ હશે? વળી જેમ કોઈ કાર્યને હલકો મનુષ્ય જ કરી શકે તે કાર્યને રાજા પોતે જ કરે
તો તેથી કંઈ રાજાનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે; તેમ જે કાર્યને રાજા
વા વ્યંતરદેવાદિક કરી શકે તે કાર્યને પરમેશ્વર પોતે અવતાર ધારી કરે છે એમ માનીએ,
તો તેથી કંઈ પરમેશ્વરનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે.
વળી મહિમા તો કોઈ અન્ય હોય તેને બતાવવામાં આવે છે પણ તું તો અદ્વૈતબ્રહ્મ
માને છે તો એ પરમેશ્વર કોને મહિમા બતાવે છે? તથા મહિમા બતાવવાનું ફળ તો સ્તુતિ
કરાવવી એ છે, તો તે કોની પાસે સ્તુતિ કરાવવા ઇચ્છે છે? વળી તું કહે છે કે – ‘‘સર્વ જીવ
પરમેશ્વરની ઇચ્છાનુસાર પ્રવર્તે છે.’’ હવે જો તેને પોતાની સ્તુતિ કરાવવાની ઇચ્છા છે તો
બધાને પોતાની સ્તુતિરૂપ જ પ્રવર્તાવો શા માટે અન્ય કાર્ય કરવું પડે? તેથી મહિમા અર્થે પણ
એવાં કાર્ય બનતાં નથી.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૦૫