તું કહીશ કે — ‘‘સંસારી તો માયાને આધીન છે, તેથી તેઓ વિના જાણે એ કાર્યો
કરે છે, પણ એ બ્રહ્માદિકને તો માયા આધીન હોવાથી જાણપૂર્વક એ કાર્યો કરે છે.’ એમ
કહેવું એ પણ ભ્રમ છે, કારણ કે – માયાને આધીન થતાં તો કામ – ક્રોધાદિક જ ઊપજે છે,
અન્ય શું થાય છે? એ બ્રહ્માદિકને તો કામ – ક્રોધાદિકની તીવ્રતા હોય છે. જુઓ, કામની તીવ્રતા
વડે સ્ત્રીઓને વશીભૂત થઈ નૃત્ય – ગાનાદિક કરવા લાગ્યા, વિહ્વળ થવા લાગ્યા અને નાના
પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા; ક્રોધને વશીભૂત થતાં અનેક યુદ્ધાદિક કાર્ય કરવા લાગ્યા; માનને
વશીભૂત થતાં પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા; માયાને વશીભૂત
થતાં અનેક છળ કરવા લાગ્યા; તથા લોભને વશીભૂત થતાં પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા.
ઇત્યાદિ ઘણું શું કહીએ? એ પ્રમાણે કષાયને વશીભૂત થતાં ચીરહરણાદિ નિર્લજ્જોની ક્રિયા
દધિલૂટનાદિ ચોરોની ક્રિયા, રુંડમાલાધારણાદિ બહાવરાઓની ક્રિયા, ૧બહુરૂપધારણાદિ ભૂતોની
ક્રિયા અને ગાયચરાવવાદિ નીચા કુળવાળાઓની ક્રિયા, — ઇત્યાદિ નિંદ્ય ક્રિયાઓ તેઓ કરવા
લાગ્યા. તો એથી અધિક માયાવશ થતાં શું શું ક્રિયા થાત તે સમજાતું નથી. બાહ્ય કુચેષ્ટાસહિત
તીવ્ર કામ – ક્રોધાદિકધારી એ બ્રહ્માદિકોને માયારહિત માનવા તે તો જેમ કોઈ મેઘપટલસહિત
અમાસની રાતને અંધકાર રહિત માને તેની બરાબર છે.
ત્યારે તે કહે છે કે — ‘‘એમને કામ – ક્રોધાદિ વ્યાપ્ત થતાં નથી એ પણ પરમેશ્વરની
લીલા છે.’’ તેને અમે કહીએ છીએ કે – એવાં કાર્ય કરે છે તે ઇચ્છા વડે કરે છે કે ઇચ્છા
વિના? જો ઇચ્છાવડે કરે છે તો સ્ત્રીસેવનની ઇચ્છાનું જ નામ કામ છે, યુદ્ધ કરવાની ઇચ્છાનું
જ નામ ક્રોધ છે, ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. તથા જો ઇચ્છા વિના કરે છે
તો પોતે જેને ન ઇચ્છે એવાં કાર્ય તો પરવશ થતાં જ થાય પણ તેને પરવશપણું કેમ સંભવે?
વળી તું લીલા કહે છે તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે તો
પછી અન્ય જીવોને એ કાર્યોથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? ક્ષમા,
સંતોષ, શીલ અને સંયમાદિકનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો.
વળી તે કહે છે કે — ‘‘પરમેશ્વરને તો કાંઈ પ્રયોજન નથી, પણ લોકરીતિની પ્રવૃત્તિ
માટે વા ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે તે ૨અવતાર ધરે છે.’’ પણ પ્રયોજન વિના
એક કીડી પણ કોઈ કાર્ય ન કરે તો પરમેશ્વર શા માટે કરે? વળી એ પ્રયોજન પણ શું
લોક-રીતિની પ્રવૃત્તિ માટે કરે છે? એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને
શિખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટારૂપ પ્રવર્તતાં તેમને મારે તો એવા પિતાને ભલો કેમ કહેવાય?
૧ – नानारूपाय मुण्डाय वरूथपृथुदंडिने ।
नमः कपालहस्ताय दिग्वासाय शिखण्डिने ।। (મત્સપુરાણ અ૦ ૨૫૦ શ્લોક નં. ૨)
૨ – परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।८।। (ગીતા – ૪ – ૮)
૧૦૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક