વળી એ સર્વથી ભિન્ન એક પુરુષ કહે છે, પણ તેનું સ્વરૂપ અવક્તવ્ય કહી કાંઈ પ્રત્યુત્તર
કરતા નથી. તો કોણ સમજે? જો પૂછીએ કે – તે કેવો છે? ક્યાં છે? કેવી રીતે કર્તા – હર્તા છે?
તે બતાવ. જે બતાવે તેમાં વિચાર કરતાં અન્યથાપણું ભાસે.
એ પ્રમાણે સાંખ્યમતમાં કહેલાં કલ્પિત તત્ત્વ મિથ્યા જાણવાં.
વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષમાર્ગ કહે છે; પણ પ્રથમ તો
પ્રકૃતિ – પુરુષ કોઈ છે જ નહિ. તથા કેવળ જાણવામાત્રથી તો સિદ્ધિ થતી નથી. પણ જાણપણાવડે
રાગાદિક મટાડતાં સિદ્ધિ થાય છે. કેવળ જાણવામાત્રથી તો કાંઈ રાગાદિક ઘટે નહિ. કારણ કે –
પ્રકૃતિનું કર્તવ્ય માને અને પોતે અકર્તા રહે, ત્યારે રાગાદિ શામાટે ઘટાડે? માટે એ મોક્ષમાર્ગ
નથી.
વળી પ્રકૃતિથી પુરુષનું ભિન્ન થવું તેને મોક્ષ કહે છે. હવે પચીસ તત્ત્વોમાં ચોવીસ તત્ત્વ
તો પ્રકૃતિ સંબંધી કહ્યાં અને એક પુરુષ ભિન્ન કહ્યો, હવે તે તો જુદો જ છે. કોઈ જીવપદાર્થ
એ પચીસ તત્ત્વોમાં કહ્યો જ નથી, વળી પુરુષને જ પ્રકૃતિ સંયોગ થતાં જીવસંજ્ઞા થાય છે, તો
જુદા – જુદા પુરુષ પ્રકૃતિસહિત છે, તેમાં પાછળથી સાધન વડે કોઈ પુરુષ પ્રકૃતિરહિત થાય છે
એમ સિદ્ધ થયું, પુરુષ એક તો ન ઠર્યો!
વળી પ્રકૃતિ એ પુરુષની ભૂલ છે કે કોઈ વ્યંતરીવત્ જુદી જ છે? કે જે જીવને આવી
વળગે છે? જો તેની ભૂલ છે, તો પ્રકૃતિથી ઇન્દ્રિયાદિક વા સ્પર્શાદિક તત્ત્વ ઊપજ્યાં કેવી રીતે
માનીએ? તથા જો જુદી છે, તો તે પણ એક વસ્તુ થઈ, સર્વ કર્તવ્ય તેનું ઠર્યું, પુરુષનું કાંઈ
કર્તવ્ય જ રહ્યું નહિ, પછી ઉપદેશ શા માટે આપો છો?
એ પ્રમાણે મોક્ષમાર્ગપણું માનવું મિથ્યા છે.
વળી ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ કહે છે, પણ તેના સત્ય – અસત્યનો
નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો.
એ સાંખ્યમતમાં કોઈ તો ઈશ્વરને માનતા નથી, કોઈ એક પુરુષને ઈશ્વર માને છે, કોઈ
શિવને તથા કોઈ નારાયણને દેવ માને છે. એમ તેઓ પોતાની ઇચ્છાનુસાર કલ્પના કરે છે, કાંઈ
નિશ્ચય નથી. એ મતમાં કોઈ જટા ધારણ કરે છે, કોઈ ચોટી રાખે છે, કોઈ મુંડિત થાય છે.
તથા કોઈ કથ્થઈ વસ્ત્ર પહેરે છે. ઇત્યાદિક અનેક પ્રકારના વેષધારી તત્ત્વજ્ઞાનના આશ્રયવડે પોતાને
મહંત કહેવડાવે છે.
તે પ્રમાણે સાંખ્યમત નિરૂપણ કર્યું.
✾ નૈયાયિક મત – નિરાકરણ ✾
શિવમતમાં નૈયાયિક અને વૈશેષિક એવા બે ભેદ છે.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૨૭