વળી તમને જ પૂછીએ છીએ કે – તીર્થંકરની વંદના માટે રાજાઓ આદિ ગયા,
સાધુવંદનાર્થે દૂર દૂર જઈએ છીએ, તથા સિદ્ધાંત સાંભળવા આદિ કાર્યો અર્થે ગમનાદિ કરીએ
છીએ, ત્યાં માર્ગમાં હિંસા થાય છે. વળી સાધર્મી જમાડીએ છીએ, સાધુનું મરણ થતાં તેનો
સંસ્કાર કરીએ છીએ, સાધુ થતાં ઉત્સવ કરીએ છીએ. ઇત્યાદિ પ્રવૃત્તિ આજે પણ દેખાય છે.
હવે ત્યાં પણ હિંસા તો થાય છે, પણ એ કાર્યો તો ધર્મના અર્થે જ છે. અન્ય કોઈ પ્રયોજન
નથી. જો ત્યાં મહાપાપ ઊપજે છે, તો પૂર્વે એવાં કાર્ય કર્યાં તેનો નિષેધ કરો, તથા આજે
પણ ગૃહસ્થો એવાં કાર્ય કરે છે, તેનો પણ ત્યાગ કરો. અને જો ધર્મ ઊપજે છે, તો ધર્મને
અર્થે હિંસામાં મહાપાપ બતાવી શા માટે ભમાવો છો?
માટે આ પ્રમાણે માનવું યુક્ત છે કે – જેમ થોડું ધન ઠગાતાં જો ઘણા ધનનો લાભ
થતો હોય, તો તે કાર્ય કરવું ભલું છે, તેમ થોડી હિંસાદિક પાપ થતાં પણ જો ઘણો ધર્મ
ઊપજતો હોય, તો તે કાર્ય કરવું યોગ્ય છે. જો થોડા ધનના લોભથી કાર્યને બગાડે તો તે
મૂર્ખ છે, તેમ થોડી હિંસાના ભયથી મહાધર્મ છોડે તો તે પાપી જ થાય છે. વળી કોઈ ઘણું
ધન ઠગાવે તથા થોડું ધન ઉપજાવે, વા ન ઉપજાવે તો તે મૂર્ખ છે; તેમ હિંસાદિવડે ઘણા પાપ
ઉપજાવે, અને ભક્તિ આદિ ધર્મમાં થોડો પ્રવર્તે, વા ન પ્રવર્તે, તો તે પાપી જ થાય છે. વળી
જેમ ઠગાયા વિના જ ધનનો લાભ હોવા છતાં પણ ઠગાય તો તે મૂર્ખ છે; તેમ નિરવદ્યધર્મરૂપ
ઉપયોગ હોય, તો સાવદ્યધર્મમાં ઉપયોગ લગાવવો યોગ્ય નથી.
એ પ્રમાણે અનેક પરિણામો વડે પોતાની અવસ્થા જોઈ, જેથી ભલું થાય તે
કરવું, પણ એકાંતપક્ષ કાર્યકારી નથી. બીજું, અહિંસા જ કેવળ ધર્મનું અંગ નથી, પણ
રાગાદિકભાવ ઘટવા એ ધર્મનું મુખ્ય અંગ છે, માટે જેથી પરિણામોમાં રાગાદિ ઘટે તે
કાર્ય કરવું.
વળી ગૃહસ્થોને અણુવ્રતાદિનું સાધન થયા વિના જ સામાયિક, પ્રતિક્રમણ અને પ્રૌષધાદિ
ક્રિયાઓનું આચરણ મુખ્ય કરાવે છે. હવે સામાયિક તો રાગ-દ્વેષરહિત સામ્યભાવ થતાં થાય
છે, પણ પાઠમાત્ર ભણવાથી વા ઊઠ – બેસ કરવાથી તો થતું નથી.
કદાચિત્ કહેશો કે — ‘‘અન્ય કાર્ય કરત, તે કરતાં તો ભલું છે!’’ એ સાચું, પરંતુ
સામાયિકપાઠમાં પ્રતિજ્ઞા તો એવી કરે છે કે – ‘‘મન – વચન – કાયાથી સાવદ્યને કરીશ નહિ,
કરાવીશ નહિ.’’ હવે મનમાં તો વિકલ્પ થયા જ કરે છે, તથા વચન – કાયામાં પણ કદાચિત્
અન્યથા પ્રવૃત્તિ થાય છે, ત્યાં પ્રતિજ્ઞા ભંગ થાય છે. હવે પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં તો ન
કરવું ભલું છે, કારણ પ્રતિજ્ઞા ભંગ કરવી એ મહાપાપ છે.
વળી અમે પૂછીએ છીએ કે — કોઈ પ્રતિજ્ઞા કરતો નથી પણ ભાષાપાઠ ભણે છે, અને
તેનો અર્થ જાણી તેમાં ઉપયોગ રાખે છે; તથા કોઈ પ્રતિજ્ઞા કરી તેને બરાબર પાળતો નથી,
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૬૫